દાહોદ તાલુકાના ભીટોડી ગામે પીકઅપ બોલેરો ચાલકે અડફેટમાં લેતાં ઘર આગળ રમતા પાંચ વર્ષિય બાળકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. બાઇકથી પીછો અકસ્માત કરી ભાગી ગયેલા પીકઅપ ગાડીને પકડી પાડી ચાલક તથા ગાડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. અકસ્માત સંદર્ભે કતવારા પોલીસે ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ભીટોડી ગામના મંદિર ફળિયામાં રહેતા શૈલેષભાઇ હરસીંગભાઇ ડામોરનો 5 વર્ષિય પુત્ર જયદીપ ગતરોજ સાંજના સમયે ઘર આગળ રોડની બાજુમાં રમતો હતો. તે દરમિયાન કતવારા બાજુથી આવતી એમપી-45-જી-1517 નંબરની પીકઅપ બોલેરો જીપના ચાલકે પોતાના તાબાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઘર આગળ રમતા જયદીપને અડફેટમાં લઇ અકસ્માત કરી નાસી ગયો હતો.
અકસ્માતમાં પાંચ વર્ષિય જયદિપને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બાઇકથી પીછો કરી અકસ્માત સર્જી ભાગી ગયેલા પીકઅપ બોલેરોના ચાલકને પકડી પાડ્યો હતો. ઘટનાની જાણ કરતાં પોલીસને કરતાં કતવારા પોલીસ તાત્કાલિક પહોંચી ચાલક તથા ગાડીનો કબ્જો મેળવી પોલીસ મથકે લઇ ગયા હતા. આ સંદર્ભે મૃતક બાળકના પિતા શૈલેષભાઇ હરસીંગભાઇ ડામોરે પીકઅપ બોલેરો ચાલક વિરૂદ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.