ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં વાહન ચાલકો બેફામ બનતા દિન-પ્રતિદિન વાહન અકસ્માતો વધતા નિર્દોષ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે.તેવો જ એક વધુ બનાવ બલૈયા ક્રોસીંગથી ફતેપુરા જતા માર્ગ ઉપર પાડલીયા ગામે માર્ગ ઉપર વાહન ચાલકની બેદરકારીથી સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ઈક્કો ગાડી વૃક્ષ સાથે અથડાતા ગાડીને સામાન્ય નુકસાન પહોંચવા પામ્યું હતું.જ્યારે તેમાં સવાર એક 22 વર્ષીય યુવાનને મોઢા ઉપર તથા માથાના પાછળના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા યુવાનનું મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના રાહુલભાઈ મગનભાઈ મકવાણા ઉંમર વર્ષ 22 રહે.ચીખલી મકવાણા ફળિયાએ ઘરના સભ્યોને જણાવેલ કે,હું ગામના પ્રવિણસિંહ જોરાવરસિંહ રાઠોડના ઘરે જઈને આવું છું.ત્યારબાદ રાત્રિના 10 વાગ્યાના અરસામાં ઘરના સભ્યો જમી પરવારી ઊંઘવાની તૈયારી કરતા હતા.તેવા સમયે રાહુલભાઈના ભાઈ મહેશભાઇ મકવાણાને ચીખલીના રાઠોડ માનસિંહ સુખતસિંહએ મોબાઈલથી જણાવેલ કે,તારા ભાઈ રાહુલ તથા પ્રવીણસિંહ રાઠોડ બંને જણા ઈક્કો ગાડીમાં બેસી બલૈયા કામકાજ અર્થે જતા હતા.તેવામાં પાડલીયા ગામે ફતેપુરા રોડ ઉપર એચ.પી પેટ્રોલ પંપની સામે ઈક્કો ગાડી ઝાડ સાથે અથડાતા તારા ભાઈ રાહુલ ને માથાના પાછળના ભાગે તથા મોઢા પર ઈજાઓ થઈ છે.તેવું જણાવતા ઘરના સભ્યો અકસ્માત સ્થળે ગયા હતા. જ્યાં જઈ જોતા ઈક્કો ગાડી નંબર.જીજે- 20.એક્યુ- 1475મા ગંભીર ઇજાગ્રસ્ત રાહુલભાઈ મકવાણાને તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ ઉપરના તબીબે રાહુલને મૃત જાહેર કર્યો હતો.અકસ્માત બાદ અકસ્માતગ્રસ્ત ગાડીને સ્થળ ઉપર છોડી પ્રવીણસિંહ રાઠોડ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે. અહીંયા નોંધનીય બાબત છે કે, જે વૃક્ષ સાથે ઈક્કો ગાડી અથડાઈ છે તે ગાડીને ખાલી સાઇડ બોનટ ઉપર સામાન્ય નુકસાન પહોંચેલ છે.જ્યારે મૃતક યુવાનને મોઢા ઉપર તથા માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાનું જોવા મળ્યું હતું. ઉપરોક્ત અકસ્માત સંદર્ભે મૃતક રાહુલભાઈના ભાઈ, મહેશભાઈ મગનભાઈ મકવાણાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા લાશનુ સુખસર સરકારી દવાખાનામાં પી.એમ કર્યા બાદ લાશનો કબજો મૃતકના વાલીવારસોને સોંપી ચીખલીના પ્રવીણસિંહ રાઠોડ સામે ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.