દાહોદ જિલ્લામાં આગામી તારીખ 10થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવાશે. જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે જણાવ્યું કે, ઉત્તરાયણના પર્વ દરમિયાન નાગરિકોએ ચાઈનીઝ દોરી-તુકકલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. વહેલી સવારે તેમજ મોડી સાંજના સમયે પતંગ ચઢાવવા ન જોઈએ. તહેવાર અવશ્ય ઉજવીયે, પરંતુ પક્ષીઓનું પણ ધ્યાન રાખીયે. જિલ્લા પશુપાલન અધિકારી ડો. કમલેશ ગોસાઈએ કરુણા અભિયાન અંતર્ગત કરવામાં આવેલા આયોજનની માહિતી આપી હતી. જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટેના સારવાર કેમ્પનું આયોજન કરાયું છે.
વિવિધ સ્થળોએ જનજાગૃતિ માટે બેનરો તથા પોસ્ટર લગાવ્યા છે. આ અભિયાનમાં ખાનગી સંસ્થાઓને પણ જોડવામાં આવી છે. દાહોદના પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ખૂબ ઉંચાઈએથી ફસાયેલા પક્ષીને બચાવવા વિશેષ આયોજન કરાયું છે. દરેક તાલુકા અને પશુ દવાખાના ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગ સાથે સંકલન કરીને પશુ-પક્ષીઓની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લાની પશુપાલન શાખા દ્વારા 9 જેટલી ઇમરજન્સી વાન તૈયાર રાખવામાં આવી છે. વનવિભાગની 10 ટીમો આ અભિયાનમાં જોડાશે. જિલ્લામાં શરૂ કરવામાં આવેલી 1962 કરુણા એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક સારવાર માટે ઉપલબ્ધ રહેશે. પશુ દવાખાના દાહોદ ખાતે જિલ્લાકક્ષાનો કંટ્રોલરૂમ પણ શરૂ કરાયો છે. કંટ્રોલ રૂમનો નંબર 02673-221266 છે.
ઓવર બ્રિજ ઉપર કાંટાળા તાર નખાયા
દાહોદ શહેરમાં ઝાલોદ રોડ ઓવરબ્રિજ ઉપર ઉતરાયણના સમયમાં પતંગની દોરીથી પસાર થતાં દ્વિચક્રિ વાહનના ચાલકો પતંગની દોરીથી ભોગ બનાવાની ઘટના બને છે. ત્યારે દોરી આ ફસાઇ જાય અને રાહદારીઓને નુકસાન નહીં કરે તે હેતુથી બ્રિજના ઢાળ ઉપર બંને છેડે ઉંચાઇએ નગર પાલિકા દ્વારા કાંટાળા તાર બાંધવામાં આવ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.