ચૂંટણી:દાહોદ જિલ્લામાં 327 ગ્રામ પંચાયતોમાં 8,09,563 મતદારો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંજેલી અને ધાનપુર તાલુકો સંવેદનશીલ
  • 4000થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં

દાહોદ જિલ્લામાં આગામી તા. 19 ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને પોલીસ અધિક્ષક હિતેશ જોયસરની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. પોલીસ અધિક્ષક જોયસરે સપષ્ટપણે જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં કાયદો હાથમાં લેનાર સામે પાસા સહિતના કડક પગલા લેવામાં આવશે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, જિલ્લામાં 324 ગ્રારમ પંચાયતની અને 3 ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી એમ 327 ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી તા. 19 ડિસેમ્બરે યોજાશે. ચૂંટણીમાં સરપંચની બેઠકની સંખ્યા 324 અને વોર્ડના સભ્યોની સંખ્યા 2356 છે.

જયારે મતદાન મથકોની સંખ્યા 980 અને સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 226 છે. તદ્દઉપરાંત અતિસંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 589 છે. તેમણે ઉમેર્યું કે, ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર મતપેટીઓ સંખ્યા 1560 છે. ચૂંટણી અધિકારની સંખ્યા 72 અને મદદનીશ ચૂંટણી અધિકારીની સંખ્યા 72 છે. જયારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોલીગ સ્ટાફની સંખ્યા 6555 છે. જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 8,09,563 છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 4,03,665 અને મહિલા મતદારોની સંખ્યા 4,05,891 છે. જિલ્લામાં કુલ 9 સ્થળોએ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.

તેમણે જિલ્લાના તમામ મતદારોને લોકશાહી પ્રક્રિયામાં ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય એ માટે સહયોગ આપવા અપીલ કરી હતી. જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 4000 થી પણ વધુ પોલીસકર્મીઓ સાથે સઘન પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તેમના દ્વારા ફૂટ માર્ચ, રૂટ માર્ચ, નાઇટ પેટ્રોલીંગ સહિત રાઉન્ડ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. 530 થી વધુ અતિ સંવેદનશીલ મતદાન મથકોએ ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ વિડિયોગ્રાફી સહિતની ચુસ્ત પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા 123 જેટલા સ્થળોએ વિડિયોગ્રાફીની વ્યવસ્થા કરવામાં આવી છે. 25થી વધુ સામે પાસા અને તડીપારની દરખાસ્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...