મહીસાગર જીલ્લા સહિત અન્ય જીલ્લાઓ માટે જીવાદોરી ગણાતા કડાણા ડેમમાંથી તાલુકાના ઉત્તર ભાગના 50 ઉપરાંત ગામના ખેડૂતોને સિંચાઇનો લાભ આપવામાં સરકાર અને તંત્ર આજદિન સુધી નિષ્ફળ રહ્યું છે. જેના કારણે ચાલુ વર્ષે ઉનાળામાં પાણીના અભાવે 70% જમીન પાણી વગર ખેડાઈ નથી અથવા તો સુકાઈ રહી છે.
આ વિસ્તારમાં આવેલા લોકો મોટાભાગે આદિવાસી હોવાની સાથે ખેતી અને પશુપાલન તેમનો મુખ્ય વ્યવસાય છે. ત્યારે કડાણા ડેમ નિર્માણ સમયે આ વિસ્તારને પાણી મળશે તેવી આશયે પોતાની મહા મૂલ્ય જમીનનો જેમણે ભોગ આપ્યો તે આ વિસ્તારની પ્રજા પાણી માટે વલખાં મારી રહી છે. એક કહેવત છે કે “દીવા તળે અંધારું” કડાણા તાલુકાના ઉત્તર ભાગના ખેડૂતો માટે આ કહેવત સાર્થક સાબિત થાય છે.
કડાણા ડેમ જે મહિસાગર જીલ્લા ઉપરાંત બીજા 7 જીલ્લાને સિંચાઈનો લાભ આપે છે. પરંતુ આટલો વિશાળ ડેમ હોવા છતાં ડેમથી માત્ર 5થી 10 કિમી દૂર આવેલા કડાણા તાલુકાના કેટલાક ગામોમાં સિંચાઈનું પાણી આજે પણ આવતું નથી. જેમકે ઉત્તર ભાગમાં આવેલા જાંબુનાળા, બચકરીયા, ઘાસવાડાથી લઈ છેક ડીટવાસ સુધી અનેક ગામો આજે પણ સિંચાઇના લાભથી વંચિત જોવા મળી રહ્યા છે. ત્યારે ડેમ ના નિર્માણના 50 વર્ષ બાદ પણ પાણી માટે રઝળપાટ કરાવતી સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.
સિંચાઇના પાણીનો લાભ મળતો નથી
વર્ષોથી અમારા વિસ્તારમાં ઉનાળામાં કુવાઓ હેડપંપો, તળાવો ખાલી ખમ રહે છે પાણી ન મળતા ઢોરને પાલો ખવડાવવો પડે છે. ખેતી સુકાઈ રહી છે. સિંચાઈ માટે અનેક રજૂઆતો કરી છે. સરકાર કોઈ પગલાં લેતી નથી અમે સ્થાનિક છીએ ડેમમાંથી સાત જીલ્લાઓ ને પાણી આપે છે પણ અમને આ લાભ મળતું નથી - વેચાતભાઇ વાગડિયા, જાંબુનાળા, સરપંચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.