અકસ્માત:ચિત્રોડીયામાં ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલીમાં પિકઅપ અથડાતાં 7 મુસાફરો ઘાયલ

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક મહિલાને દાહોદ ઝાયડસ ખસેડાઇ : 7 પેસેન્જરોને નાની મોટી ઇજાઓ
  • અકસ્માત કરી પિકઅપ​​​​​​​ ચાલક ગાડી મૂકી નાસી છૂટવામાં સફળ રહ્યો

ઝાલોદ તાલુકાના ચિત્રોડીયા ગામે રોડની સાઇડમાં ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલીમાં પીકઅપ જીપ અથડાતા અંદર સવાર 7થી વધુ પેસેન્જરોને નાની મોટી ઇજાઓ થઇ હતી. અકસ્માત કરી ગાડી મુકી નાસી ગયેલા ચાલક વિરૂદ્ધ ઝાલોદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

ઝાલોદ તાલુકાના ગામડી ગામના સંદિપભાઇ રમેશભાઇ વાઘેલાની માતા કમળાબેન વાઘેલા મંગળવારના રોજ ઝાલોદ ગામડી ચોકડી ઉપરથી જીજે-01-ડીએક્સ-2739 નંબરની પેસેન્જર જીપમાં બેસીના ગામડી ગામે જવા માટે નિકળ્યા હતા. ત્યારે પીકઅપ ગાડીના ડ્રાઇવરે તેની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જતાં ચિત્રોડીયા ગામે રોડની સાઇડમાં ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે પાછળ અથડાવી એક્સિડન્ટ કર્યો હતો.

જેમાં સંદિપભાઇની માતા કમળાબેનને જમણા ખભા ઉપર તથા હાસડી ઉપર અને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. સાથે પીકઅપમાં બેઠેલા અન્ય સાતેક જેટલા પેસેન્જરોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી પીકઅપ ચાલક ગાડી મુકીને ઘટના સ્થળેથી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત કમળાબેન વાઘેલાને ઝાલોદ પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ લઇ જવાયા હતા. અકસ્માત સંદર્ભે સંદિપભાઇ રમેશભાઇ વાઘેલાએ પીકઅપ ચાલક વિરૂદ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...