દાહોદમાં અનિયમિત વરસાદ:ગત વર્ષ કરતાં 7 ઇંચ વધુ વરસાદ પણ વાવણીમાં 15393 હે.માં ઘટાડો

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વરસાદ ખેંચાતો રહેશે તો જિલ્લામાં ચોમાસુ સીઝનમાં પાકનું આયોજન બદલાવાના એંધાણ
  • જિલ્લામાં 39607 હે.માં વાવેતર, વરસાદ વિના મકાઇને નુકસાનનો ભય
  • ફતેપુરા અને સંજેલીમાં ગત વર્ષ કરતાં દોઢ ગણો વરસાદ પડી ગયો
  • વરસાદી માહોલ બને છે, પણ વ્યર્થ બુધવારે 50% ભેજ સાથે 310 તાપમાન

દાહોદ જિલ્લામાં વરસાદની અનિયમીતતા ખેડુતોનું ગણિત બગાડી રહી છે. જિલ્લામાં 9 તાલુકામાંથી માત્ર 2 તાલુકાને છોડીને 7 તાલુકામાં ગત વર્ષ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.વરસાદની સંજેલી અને ફતેપુરામાં તો ગત વર્ષ કરતાં દોઢ ગણો વરસાદ પડી ગયો છે. વરસાદની અનિયમીતતાને કારણે આ વખતે ગત વર્ષ કરતાં વાવણીમાં 15393 હેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

દાહોદ જિલ્લામાં વરસાદ મન મુકીને વરસી નથી રહ્યો. તેના કારણે અંગ દઝાડતો તાપ અને બફરો થયાવત જ છે. વાદળછાયા વાતાવરણ બાદ એકાદ ઝાપટુ થોડીક રાહત આપી જાય છે. બુધવારે દાહોદ શહેરમાં હવામાં 50 % ભેજ સાથે 31 સે.ગ્રે. ડિગ્રી નોંધાયું‌ હતું. દાહોદ જિલ્લામાં માહોલ બની રહ્યો છે પરંતુ કેટલાંક તાલુકાઓમાં વરસાદ જોઇયે તેવો વરસવાનું નામ લેતો નથી. દાહોદ જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ તો થઇ ગયો છે પણ તેને અનુકુળ સ્થિતિ બની નથી રહી.

મુખ્યત્વે 15 જુન થી 15 સપ્ટેમ્બર સુધીના સમયગાળાને ચોમાસું સીઝન ગણી શકાય. જુલાઇનો પ્રારંભ થઇ ગયો છે છતાં જિલ્લાના બે તાલુકામાં ગત વર્ષ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે જ્યારે સાત તાલુકા એવા છે જેમાં ગત વર્ષ કરતાં વરસાદનો આંક વધેલો જોવા મળી રહ્યો છે. બુધવારના રોજ પડેલા વરસાદથી કેટલાંક તાલુકાઓમાં વરસાદનો આંક ગત વર્ષ કરતાં વધી ગયો હતો. જિલ્લાની સરેરાશ ગણીયે તો ગત વર્ષ કરતાં 7 ઇંચ વધુ વરસાદ વરસ્યો છે પરંતુ અનિયમીતતાને કારણે વાવણીમાં ઘટાડો જોવાઇ રહ્યો છે.

આ સીઝનમાં વરસાદ પડવાની પેટર્નમાં બદલાવ આવશે ત્યારે ચોમાસું સીઝનમાં પાક આયોજન બદલવું પડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જોકે, ખેડુતોએ સારા વરસાદની આશ નહીં છોડતાં જિલ્લામાં 215902 હેક્ટરમાંથી 39607 હેક્ટરમાં વાવણી થઇ ગઇ છે. જે ગત વર્ષ કરતાં 15393 હેક્ટર ઓછી છે. જો વરસાદ ખેંચાશે તો મકાઇની ઓરણી કરનારા ખેડુતોને નુકસાન વેઠવાનો વારો આવે તેમ જોવાઇ રહ્યું છે.

અત્યાર સુધી તો પરિસ્થિતિ સારી છે, વાવેતર પણ થઇ રહ્યું છે
જિલ્લામાં અત્યાર સુધી તો પરિસ્થિતિ સારી છે અને વાવેતર પણ ચાલુ જ છે. જો હજી 15 દિવસ વરસાદ રોકાઇ જાય તો આકસ્મિક પાક આયોજનનું વિચારી શકાય તેમ છે. સામાન્ય રીતે ખેડૂતો જાતે તેમના
સ્વાનુભવે પાક આયોજન કરતા જ હોય છે, પરંતુ ઘણી વખત કુદરતી વિષમ પરિસ્થિતિ ઉભી થતી હોય છે જેમાં તેમનું પાક આયોજન નિષ્ફળ જાય છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવી પડે છે.
હાલમાં ખેડૂતો દ્વારા મોટે ભાગે દાહોદ જિલ્લાના બધા જ તાલુકાઓમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. વરસાદની ખેંચ અને વરસાદ ન પડવાના સંજોગોમાં આર્થિક નુકસાની ઘટાડવા આકસ્મિક પાક આયોજન કરવું હાલ તો હિતાવહ છે. > પી.આર દવે,ખેતીવાડી અધિકારી, દાહોદ

દાહોદમાં 12 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી
દાહોદ જિલ્લામાં તા. 12 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરાઇ છે. ગત વર્ષોમાં લોકો દ્વારા ખોટા સાહસ કરી પાણીમાં નાહવા પડવાથી પાણીમાં ડૂબી જવા તથા વરસાદી પાણીના પ્રવાહમાંથી પસાર થવા જોખમી પ્રયાસ કરવાના કારણે તણાઇ જવાના કારણે માનવમૃત્યુના બનાવો બન્યા છે. આ ઉપરાંત આકાશી વીજળી પડવાના કારણે પણ માનવ તેમજ પશુ મૃત્યુના બનાવો બન્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ છે કે, વરસાદમાં લોકોએ પાણી ભરાયા હોય તેવા સ્થળે પ્રવેશ કરવો નહી.

​​​​​​​નાહવા પડવું નહી. બાળકોને પણ આવા પાણીથી દૂર રાખવા તથા બિનજરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહી. આકાશી વીજળીથી બચવા માટે ભારતના હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘દામીની’ એપ મોબાઇલમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી આપના વિસ્તારમાં વીજળી પડવા/થવાની શકયતાઓ અંગે અગાઉથી જાણકારી મળી રહેશે. તાલુકાના મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમ ખાતે અથવા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે ફોન નંબર 02673-239277, 02673-239123 અને 02673-239080 ઉપર તુરંત જાણ કરવા અનુરોધ કરાય છે.

​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...