લમ્પી વાયરસની એન્ટ્રી:દાહોદના નવાગામમાં એકસાથે 7 ગાયોને લમ્પી વાઇરસનો ચેપ લાગ્યો, પશુપાલન વિભાગ દોડતું થયું

દાહોદ5 દિવસ પહેલા
  • આજ સવાર સુધી જિલ્લામાં એક પણ કેસ નોંધાયો ન હતો

દાહોદ જિલ્લામાં આજ સુધી લમ્પી વાઇરસનો એકપણ કેસ નોંધાયો ન હતો. જોકે, આજે દાહોદ તાલુકાના નવાગામમાં એક સાથે 7 ગાયોમાં લમ્પી વાઇરસનો ચેપ લાગ્યો હતો. જેને લઈ પશુપાલન વિભાગ દોડતું થઈ ગયું હતું. જિલ્લા પશુપાલન વિભાગ લમ્પી વાઇરસના સંક્રમણને ફેલાતું અટકાવવા સતર્ક બન્યુ છે. આ માટે પશુપાલન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ નિશુ:લ્ક ટોલ ફ્રી નંબર 1962 જાહેર કરવામાં આવ્યો છે.

એક જ ગામમા 7 ગાયોને લમ્પીનો ચેપ લાગ્યો
નાયબ પશુપાલક નિયામક ડો. કે.એલ. ગોસાઇએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, દાહોદ તાલુકાના નવાગામમા 7 પશુઓમા લમ્પી વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. જેથી તાત્કાલિક પશુપાલન વિભાગની ટીમે સ્થળ પર જઈ સારવાર શરુ કરી દીધી છે. કુલ નવ તાલુકાઓમાં નવ ટીમો બનાવીને સર્વે, અટકાયતી પગલાં તેમજ રોગ અંગે જાગ્રુતિ ફેલાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, પશુ પાલકો પણ પશુપાલન વિભાગ દ્વારા અપાતી સૂચનાઓને ગંભીરતાથી લે અને મચ્છર, ઇતરડી, માખીઓનો ઉપદ્રવ અટકાવવા જંતુનાશક દવાઓનો છંટકાવ કરે. ખાસ કરીને લમ્પી સ્કીન ડીસીસના લક્ષણો જાણીએ અને પશુને સુરક્ષિત રાખવાની કાળજી લઇએ તેમ તેમણે ઉમેર્યું હતું.
દાહોદ તાલુકાના નવાગામમા ભરતભાઈ બામણીયાના 2 પશુ, યોગેશ ભાઈ નલવાયાના 2 પશુ, કસના ભાઈ ચૌહાણ, માનાભાઈ બામણીયા અને કનુભાઈ રાઠોડના એક-એક પશુ મળી કુલ 7 ગાયો લમ્પી વાયરસનો ભોગ બની છે.
પશુનું મૃત્યુ પણ થઈ શકે છે
લમ્પી સ્કીન ડીસીસના મુખ્ય લક્ષણોમાં પશુઓના સંપૂર્ણ શરીર પર ગાંઠ જેવા નરમ ફોલ્લા પડવા, સામાન્ય તાવ આવવો, મોઢામાંથી લાળ પડવી, દુધ ઉત્પાદન ઘટી જવું, પશુનું ખાવાનું બંધ કરી દેવુ અથવા ખાવામાં તકલીફ પડે, ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક પશુ મૃત્યુ પામે છે.
દવા છાંટવી, પશુને બાંધી રાખવુ, ઉકરડા ગંદકીથી દુર રાખવા
પશુઓને આ રોગથી સુરક્ષિત રાખવા આ કાળજી લેવી જોઇએ. પશુઓને ગંદકી ઉકરડાથી દુર રાખવા, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો. જેથી માખી, મચ્છર અને ઇતરડીથી રાહત મળે. જ્યારે પશુઓમાં લમ્પી વાઇરસના લક્ષણ જણાય તો સૌપ્રથમ સ્વસ્થ પશુઓથી અલગ કરવું અને ચરવા માટે છુટું મુકવું નહીં. તેમજ નજીકના પશુદવાખાના અથવા હેલ્પ લાઇન નંબર 1962 નો સંપર્ક કરવો. રોગગ્રસ્ત પશુઓનું સ્થળાતંરણ સંમ્પૂર્ણ બંધ કરવું, અન્ય જિલ્લાઓમાંથી પશુની હેરફેર ન કરવી. તેમજ વરસાદી પાણીનો ભરાવો ન થાય તેની કાળજી રાખવી.

અન્ય સમાચારો પણ છે...