દુખહર્તા:દિવાળી સુધી 50 કરોડના સોના-ચાંદીના વેપારની રહેલી આશા, બે વર્ષ બાદ સોના-ચાંદી બજારમાં આવેલી તેજી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોનાના ભાવમાં અપડાઉન - Divya Bhaskar
સોનાના ભાવમાં અપડાઉન
  • આશા એટલા માટે: બે વર્ષથી લોકોએ જોઇએ એટલી ખરીદી જ કરી નથી
  • અંદાજ મુજબ આગામી સમયમાં સોનું 60 હજારને પાર જઇ શકે છે

ગણેશોત્સવ ચાલી રહ્યો છે... શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીજીની ભાવપૂર્વક સેવા કરાઇ રહી છે. ગણેશજી શુભ અને સમૃદ્ધિના પ્રતિક છે, વિઘ્નહર્તા છે. તેમના આગમનને પગલે દાહોદ જિલ્લામાંથી ધીમે ધીમે વિઘ્નો ઓછા થઇ રહ્યા છે. હાલ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી. થંભેલો વરસાદ પણ ગણેશચતુર્થીથી જ ગજાનનના પગલાં પખાળી રહ્યો હોવાથી પૂરતા જળ સંગ્રહની આશા બંધાઈ છે. જિલ્લામાં હવે લોકો સ્વૈચ્છિક રીતે રસી લઈને રક્ષિત બની રહ્યા છે. શ્રીજીના આગમન સાથે જ સોના-ચાંદી સહિત તમામ બજારોનું વિઘ્ન દૂર થવાની પણ આશા દૃઢ બની ંછે.

કોરોનાને કારણ છેલ્લા બે વર્ષ જ્વેલર્સ વ્યવસાય માટે સારા રહ્યા નથી. જોકે, હવે પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે. જેથી તહેવારોમાં ઘરાકી નીકળવાની આશા બંધાઇ છે. નવરાત્રી, ધનતેરસ, દિવાળી સાથે લગ્નગાળા દરમિયાન આખા દાહોદ જિલ્લામાં 50 કરોડ રૂપિયાના વેપારનું અનુમાન કરાઇ રહ્યું છે. ગત વર્ષે લગ્નની સીઝનમાં લગ્નો ઓછા હતા, જો કોવિડની ત્રીજી લહેર નહીં આવે તો લગ્નો પણ વધશે. કોરોના કાળમાં પણ લોકોએ સોના અને ચાંદીની ખરીદી ઘણી ઓછી કરી છે. કેટલાંક ગ્રાહકો હવે ખરીદી કરવાનું ઇચ્છી રહ્યા છે અને ધીમે-ધીમે ઓર્ડર પણ આવવા લાગ્યા છે.

ચાંદીના ભાવમાં અપડાઉન
ચાંદીના ભાવમાં અપડાઉન

ગત મહિને સોનાનો ભાવ 51400 રૂપિયા હતો જ્યારે તે હાલમાં 48000 છે. સોનુ અત્યારે સ્થિર છે અને ચાંદીના ભાવ પણ ઓછા થયા છે. એક માસ પહેલાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો 68500 રૂપિયા હતો. તે હાલમાં 65000 રૂપિયા છે. સોનામાં 1000થી 1500 રૂપિયાની વધઘટ છેલ્લા એક માસમાં જોવાઇ છે. આગામી સમયમાં ખરીદી વધવાની આશા છે. જ્યારે સોના ચાંદીના ભાવ સ્થિર રહે છે ત્યારે રેટ વધવાની શક્યતાઓ હોય છે. દેશની આર્થિક સ્થિતિ પર અસર થાય છે તે વખતે સૌથી વધુ તેલ અને સોના-ચાંદીના ભાવ ઉપર અસર થાય છે. એક અંદાજ મુજબ આગામી સમયમાં સોનું 60 હજાર અને ચાંદી 80 હજારને પાર જઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...