ભૂગર્ભ ગટર યોજના:ચોપડે પૂરી શહેરમાં અધૂરી ,દાહોદમાં સ્માર્ટસિટી અંતર્ગત યોજના પાછળ 34.63 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો

દાહોદ13 દિવસ પહેલાલેખક: ઇરફાન મલેક
  • કૉપી લિંક
  • 12 જેટલા વિસ્તારમાં 17થી20 કિમી પાઇપો નંખાયા જ નથી : પાલિકાનું શહેરને ગટર મુક્ત કરવાનું સ્વપ્ન અધૂરું : PMના હસ્તે લોકાર્પણ કરાયું હતું

સમગ્ર દેશમાં દાહોદ જ એવું છે કે જ્યાં નગરપાલિકા હોવા છતાં તેનો સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આદિવાસીવાસી વિસ્તારમાં રહેતા લોકોને ગુણવત્તાયુક્ત જીવન મળી રહે એ માટે દાહોદમાં સ્માર્ટ સિટી યોજના હેઠળ વિવિધ જનસુખાકારીના કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ કેટલાંક આયોજનના અભાવને કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.કામગીરી માટે સરકાર દ્વારા દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીની રચના કરવામાં આવી હતી. દાહોદ શહેરમાં ગંદા પાણીના નિકાલ માટેની ગટરો ખુલ્લી છે.

તેના કારણે ગંદકી ફેલાવાની સાથે મચ્છરોનો પણ ત્રાસ રહે છે. તે સમસ્યાને ધ્યાને રાખીને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ભૂગર્ભ ગટર નાખવામાં આવી હતી. બે વર્ષમાં યોજના પૂર્ણ કરવાની હતી પરંતુ કોવિડને કારણે વધુ સમય લાગ્યો હતો. યોજના શરૂ થઇ ગયા બાદ પાંચ વર્ષ સુધી એજન્સી દ્વારા તેનો નિભાવ કરવાનું પણ ઠરાવવામાં આવ્યુ છે.

જોકે, આ યોજના પૂર્ણ થઇ ગઇ હોવાનું બતાવી 20 એપ્રિલે દાહોદ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કારાવી દેવાઇ હતી. આ યોજના કાગળ ઉપર તો પુરી થઇ ગઇ છે પરંતુ હકિકતમાં તે શહેરના 12 જેટલા વિસ્તારમાં 17થી 20 કિમીના પાઇપો નખાયા જ નથી. ગત 15મી ઓગષ્ટે પાલિકા દ્વારા દાહોદ શહેરને ગટર મુક્ત કરવાનું એલાન કર્યુ હતુ પરંતુ અધુરી યોજનાને કારણે આ શક્ય બની શક્યુ નથી.

ભૂગર્ભ ગટરમાં કયા-કયા વિસ્તારો બાકી
ભૂગર્ભ ગટર નાખવાની બાકી હોય તેવા વિસ્તારોમાં ઘાંચીવાડ, દેસાઇવાડ,હજારિયા ફળિયા, દર્પણ સિનેમા રોડનો કેટલાક છુટક વિસ્તાર સાથેમારવાડી ચાલ, સુખદેવકાકા પાછળનો કેટલોક વિસ્તાર ગૌશાળા ભીલવાડા સાથે શહેરના ડેવલપ વિસ્તાર દેલસર રોડ તેમજ મદની નગરમાં કોઇ કામગીરી કરાઇ ન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

યોજના પાછળના ત્રણ સળગતા સવાલ

  • શહેર મધ્યના વિસ્તારો સર્વેમાં ચુકી જવાયા હતા?
  • લોકાર્પણ કરાવવા માટે યોજના પૂર્ણ બતાવાઇ?
  • એજન્સી હવે કામગીરી કરી આપશે?
  • દાહોદનો સ્માર્ટ સિટિમાં સમાવેશ કરાતાં શહેરની રોનક બદલાવાની આશા જન્મી હતી. જોકે આજે પણ આંખે ઉડીને વળગે તેવા શહેરને સ્માર્ટ કરતાં કોઇ પ્રોજેક્ટ નજરે પડતા નથી.

ભૂગર્ભ ગટર-પાણી મામલે પ્રમુખે રાજીનામું મૂક્યું હતું
હોદ્દાની રૂએ દાહોદની સ્માર્ટસિટી ડેલવપમેન્ટ કંપનીમાં ડિરેક્ટર તરીકે આરૂઢ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલે પોતાના પદ ઉપરથી રાજીનામું આપતો પત્ર થોડા દિવસ પહેલાં સ્માર્ટસિટીના જવાબદારોને મોકલ્યો હતો. રાજીનામું આપવા પાછળના મુખ્ય કારણોમાં દાહોદ શહેરના કેટલાંક વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ હાલ પણ થયું નથી. તેના કારણે વિસ્તારમાં મંજૂર થયા છતાં સીસી રોડ બન્યા નથી.પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલે રાજીનામામાં જણાવ્યા મુજબ તેઓ નવ માસથી મીટિંગોમાં ભૂગર્ભ ગટર યોજના અને પાણીની સુવિધા માટે રજૂઆત કરી રહ્યા હતાં પણ હવે આ કામ પાલિકાના ફંડમાંથી કરવાનું કહેવાતા તેમના આયોજનો બગડ્યા છે. જોકે પ્રમુખે રાજીનામુ આપીને પાલિકા પર બોજ ન પડે તે તો સાચવી જ લીધુ પરંતુ શહેરના સામાન્ય નાગરિકને તો માત્ર સુવિધા જ જોઇએ છે પછી એ સ્માર્ટ સિટિ અંતર્ગત બને કે પાલિકા બનાવે.

અન્ય સમાચારો પણ છે...