દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વજેલાવ અને છરછોડા ગામની ગેંગના ત્રણ સભ્યો આણંદમાં ઘરફોડ ચોરીને અંજામ આપે તે પહેલાં ઝડપાઇ ગયા હતાં. આ ત્રણેએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કરેલી 21 ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી. છ યુવાનો દ્વારા ગેંગ બનાવાઇ છે. જોકે, દાહોદ જિલ્લામાં આ ગેંગનો કોઇ ગુનાઇત ઇતિહાસ હોવાનું જાણવા મળ્યું નથી.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વજેલાવ ગામના ભુતવડ ફળિયાના વિજય સોમલાભાઇ બારીયા, કમલેશ ઉર્ફે કમો મડીયાભાઇ ખરાડ, છરછોડાના ખેડા ફળિયાના જયંતી નબળાભાઇ ડામોર, કેશા મગનભાઇ ડામોર, કલસીંગ મગનભાઇ ડામોર, કમાભાઇ મડીયાભાઇ ખરાડ અને વડવાના દિનેશ ગેંગ બનાવીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતાં હતાં. વિજય, કમલેશ અને જયંતી આણંદના લોટીયા ભાગોળ વિસ્તારમાં ચોરી કરવાના ઇરાદે ફરી રહ્યા હતાં. ત્યારે ત્યાંની એલસીબીએ બાતમીના આધારે આ ત્રણેને ખાતરિયા સાથે ઝડપી પાડ્યા હતાં.
ત્રણે યુવકોએ અમદાવાદ શહેર - ગ્રામ્ય, મહેસાણા, ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લાઓમાં 21 ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. યુવકો પાસેથી પોલીસે ત્રણ મોબાઇલ અને જપ્ત કર્યા હતાં. પૂછપરછમાં તેમના અન્ય સાથીદારોના નામ પણ સામે આવ્યા હતાં. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરનારી ગેંગના સભ્યોનો દાહોદ જિલ્લામાં કોઇ ગુનાઇત ઇતિહાસ હોવાનું જાણવા મળ્યું નથી.
મજૂરીના બહાને રાજ્યના વિવિધ ઇન્ડસ્ટ્રિઝ વિસ્તારને નિશાન બનાવતા હતા
ગેંગના સભ્યો મજૂરીના બહાને રાજ્યના વિવિધ ઇન્ડસ્ટ્રિઝ વિસ્તારમાં કામ કરતાં હતાં. ત્યાં રેકી કર્યા બાદ તેઓ માત્ર ખાતરિયાની મદદથી તે વિસ્તારની વિવિધ કંપનીના તાળા તોડીને ઓફિસોને નિશાન બનાવતાં હતાં. ઘણા સ્થળે ઘરોમાં પણ તેમણે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.