મોડે મોડે મેઘમહેર:સંજેલી તાલુકામાં ગતરાત્રે 3 કલાકમાં જ 3 ઈંચ વરસાદ વરસ્યો, દાહોદમાં વરસાદની આગાહી વચ્ચે યલો એલર્ટ

દાહોદ3 મહિનો પહેલા
  • જિલ્લામાં હજુ જોઈ તે પ્રમાણે વરસાદ ન વરસતા લોકો નાખુશ

દાહોદ જિલ્લાને બાદ કરતા સમગ્ર ગુજરાતને છેલ્લા ચારેક દિવસથી ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા ધમરોળી રહ્યા છે. તેવા સમયે યલો એલર્ટની ચેતવણી વચ્ચે જિલ્લામાં દરેક તાલુકામાં ઓછો વધતો વરસાદ વરસી રહ્યો છે. સંજેલી તાલુકામાં સોમવારે રાત્રે ત્રણ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા ચારે કોર પાણી પાણી થઈ ગયુ હતું.

ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી મેહુલીયો મનમુકીને વરસી રહ્યો છે .જ્યારે દાહોદ જિલ્લામાં ઓછો વરસાદ થતાં પ્રજા નાખુશ જોવા મળી છે. ત્યારે રવિવારે મોડી સાંજે મેઘરાજા સમગ્ર દાહોદ જિલ્લા પર મહેરબાન બન્યા હતા. દાહોદમાં માત્ર એકથી દોઢ કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકયો હતો. અન્ય તાલુકાઓમા પણ વરસાદ વરસ્યો હતો.બીજી તરફ હવામાન વિભાગે તારીખ 11 અને 12 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યુ છે.
નવા નીરની આવક થતા ગ્રામજનોમા પણ આનંદ
આ દરમિયાન જ સંજેલી તાલુકામાં સોમવારે રાત્રે ત્રણ કલાકમાં જ 80 મીમી એટલે 3 ઈચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. તેને પરિણામે ગામડાઓમાં ઘણે ઠેકાણે પાણી ભરાયા હતા. કેટલાક ખેતરોમા પણ પાણી ફરી વળ્યા હતા. સંજેલી તાલુકામાં વરસાદ વરસવાને કારણે ધરતીપુત્રોમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયુ છે. વાવાઝોડાને કારણે કેટલાક સ્થળે વૃક્ષો પણ ધરાશાયી થતાં રસ્તાઓ પણ બંધ થયા હતા. એક ધારો વરસાદ વરસતાં સંજેલીના કોટા સમુદ્ર સાગર તળાવમા પણ નવા નીરની આવક થતા ગ્રામજનોમા પણ આનંદ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...