સમસ્યા:27793 ખેડૂતો નિધિ માટેની વિધિથી દૂર

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લાના અપાત્ર ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજનામાંથી બહાર કરવા ઇકેવાયસી શરૂ કરાવ્યું હતું
  • 31 ડિસેમ્બર અંતિમ તારીખ છતાં સામે ન આવ્યા : મોટા ભાગના ખેડૂતો સ્થળાંતર કરી ગયા હોવાથી સમસ્યા

દાહોદ જિલ્લામાં કેન્દ્ર સરકારે પીએમ સન્માન નિધિના લાભાર્થીઓની યાદીમાંથી અપાત્ર ખેડુતોને દૂર કરવા માટે ઇકેવાયસી 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી. જિલ્લામાં અપાત્ર ખેડુતોને બાદ કરતાં યોજનાનો લાભ મેળવતાં ખેડુતોની સંખ્યા 2,95,633 રહી છે.

સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિના પોર્ટલ પર અથવા કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને ઇકેવાયસી પૂર્ણ કરી શકાય છે તેવી વારંવાર જાહેરાત કરી હતી. સરકાર યોજનામાં છેતરપિંડી અંગે કડક બની હોવાથી ઇકેવાયસી નહીં કરાવનાર ખેડૂતના એકાઉન્ટમાં હપ્તો નહીં આવે તેવું પણ જણાવાયુ હતું.

સ્થાનિક ખેતીવાડી વિભાગ દ્વારા ગામે-ગામે કેમ્પ અને જનજાગૃતિ અભિયાન શરૂ કરતાં 31મી ડિસે. સુધી 2,67,870 ખેડુતો દ્વારા ઇકેવાયસી સફળતા પૂર્વક સંપન્ન કરી લીધુ હતું. પ્રયાસો બાદ પણ નિધિનો લાભ લેવા માટે કરાનાર આ વિધિથી 27,793 ખેડુતો દૂર છે. રોજીરોટીની તલાશમાં પરગામોમાં ગયેલા કેટલાંક ખેડુતોના કાને ઇકેવાયસીની વાત પડી નથી અને તેઓ જાણે છે છતાં ડોક્યુમેન્ટ વતનમાં પડ્યા હોવાથી તે આવવાની આળસે મહત્વનું કામ ચૂકી ગયા છે.

હજી પણ ઇકેવાયસી કરાવી શકે છે
માઇગ્રેશનો ઇશ્યુ છે, કેટલાંકના નિધન પણ થઇ ગયા હશે. હાલ પણ ઇકેવાયસી કરવી દેશે તો યોજનામાં ચાલુ રહી શકે તેમ છે. દાહોદ જિલ્લાનો ખેડુત ક્યાં પણ રહેતો હોય યોજનામાં ચાલુ રહેવા માટે તે ત્યાંથી પણ ઇકેવાયસી કરાવી શકે છે. - પી.આર દવે, ખેતીવાડી અધિકારી

શું છે કિસાન સન્માન નિધિ યોજના
PM-કિસાન એ સરકારની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના છે. જે દરેક પાત્ર ખેડૂત અને તેના પરિવારને વાર્ષિક રૂ. 6,000 પ્રદાન કરે છે. દર વર્ષે એપ્રિલ-જુલાઈ, ઓગસ્ટ-નવેમ્બર અને ડિસેમ્બર-માર્ચમાં 3 હપ્તામાં નાણાં ઉપલબ્ધ કરાવે છે. સરકાર દ્વારા 2018માં યોજના પ્રારંભ થઇ હતી

17000 ખેડૂતો અપાત્ર ઠર્યા છે
ઇન્કમટેક્સ પેયર, સરકારી કર્મચારી, પેન્શન લેનારા અને લાખો રૂપિયા કમાનારા લોકોએ પણ સામાન્ય ખેડૂતની જેમ યોજના નો લાભ મેળવ્યાનો ઘટસ્ફોટ ઇકેવાયસી બાદ થયો હતો. આવા 17370 લોકો સામે આવતાં બહાર કરી દેવાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...