દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં રહેતી 25 હજાર વસતિ પાણી માટે કડાણા યોજના ઉપર જ આધારિત છે ત્યારે યોજનામાં સર્જાતી સમસ્યાને કારણે તેને અવાર-નવાર પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલમાં યોજનાનું પાઇપ લીક થવાથી વિસ્તારમાં સાત દિવસથી પાણી મળ્યું નથી. આ બાબતથી ગોદીરોડ વિસ્તારની પ્રજાને ગાંઠના રૂપિયા ખર્ચીને પાણીની વ્યવસ્થા કરવી પડી રહી છે.
દાહોદમાં પાણીની સમસ્યાનો નિકાલ લાવવા તત્કાલીન પીએમ નરેન્દ્ર મોદીએ 145 કરોડના ખર્ચે કડાણા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. શહેરની સુખાકારી માટે આ યોજના શરૂ કરાઇ હતી પરંતુ તેના રખરખાવને કારણે હાલમાં સૌથી વધુ ઝાલોદ રોડ ઓવરબ્રિજથી રેલવે અંડરબ્રિજ સુધી ગોદીરોડ વિસ્તારમાં રહેતી 25 હજાર વસતિને હાલાકી વેઠવી પડે છે. છેલ્લા છ દિવસથી આ પ્રજા પાણી માટે વલખાં મારે છે. શુક્રવારે 7મા દિવસે થોડીક વસતિને પાણી અપાયું હતું.
ભાણાસીમલ પાસે જંગલ વિસ્તારમાંથી પસાર થતી લાઇન લીકેજ થઇ હતી. તેનું વેલ્ડિંગ કરવા જંગલમાં જનરેટર લઇને જવુ પડે તેમ હોઇ રિપેરિંગમાં વિલંબ થતાં તેનો ભોગ પ્રજા બની હતી. શુક્રવારે નિકારણ આવતાં કેટલાંક વિસ્તારમાં પાણી અપાયું હતું. જોકે, ગોદીરોડ પાંચ ઝોનમાં વહેચાયેલું હોવાથી 25 હજારની વસતિને પાણી મળતાં હજી 3 દિવસ લાગશે તેવું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે કડાણા યોજના શરૂ થયા બાદ પાટાડુંગરીની જૂની લાઇન બંધ કરી દેવામાં આવતાં ગોદીરોડ કડાણાના પાણી ઉપર જ આધારિત છે.
શહેરમાં દરરોજ 22 એમએલડી પાણીની થતી ખપત
દાહોદ શહેરમાં દરરોજ 22 એમએલડી પાણીની ખપત થાય છે. તેમાં 7 એમએલડી પાણી પાટાડુંગરી અને 15 એમએલડી કડાણા યોજનામાંથી આવે છે. યોજના શરૂ થયા બાદ દાહોદમાં રોજ પાણી આપવાની ગુલબાંગો પોકારાઇ હતી. પાણીના મીટરો પણ છે. જોકે, તે શરૂ નથી. ભૂતકાળમાં 7 એમએલડીથી શહેરની તરસ છીપાતી હતી, પરંતુ વસતિ વધતાં 22 MLD પાણીની ખપત થાય છે.
મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરાઇ છે
કડાણા યોજનામાં વારંવાર સર્જાતી સમસ્યા અંગે અમારા દ્વારા મુખ્ય મંત્રી અને પાણી પુરવઠા મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે. પ્રોબલેમ સોલ્વ થતાં શુક્રવારે કેટલાંક વિસ્તારને પાણી અપાયું હતું. બોરિંગ કે અન્ય સુવિધા નથી તે સ્થળોએ સ્વ ખર્ચે પાણી પહોંચાડ્યું હતું.> લખન રાજગોર, કાઉન્સિલર, વોર્ડ 1
8 માસમાં 6 વાર વિસ્તારમાં પાણી માટેના પોકારો પડ્યાં
કડાણાથી 85 કિમીની દાહોદ સુધીની પાઇપ લાઇન પાથરવામાં આવી છે. આ યોજનામાં ભાણાસીમળ, આફવા અને હિરોલામાં સમ્પ બનાવવામાં આવ્યા છે. યોજના શરૂ થયા બાદ પાંચ વર્ષ સુધી નિભાવણીની જબાદરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠા વિભાગ દ્વારા અન્ય એજન્સીને કામ આપવામાં આવ્યુ છે. આ એજન્સી દ્વારા પૂરતું ધ્યાન નહીં અપાતાં વારંવાર સમસ્યા સર્જાતી હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. 85 કિમી પાઇપ લાઇનના વિસ્તારમાં 20થી 25 કિમી લાઇન જંગલ વિસ્તારમાંથી પસાર થાય છે. ત્યારે સમસ્યા સર્જાય ત્યારે તેના નિકાલના અભાવને કારણે પ્રજાને વેઠવું પડે છે. એજન્સી દ્વારા સમ્પ ઉપર એક્સ્ટ્રા મોટરો નથી. સમ્પ ઉપર લાગેલી ત્રણ મોટરમાંથી એક સ્ટેન્ડ બાય હોય છે. બે મોટરના સ્થાને હાલ આફવા અને હિરોલામાં એક જ મોટર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. મોટર ખરાબ થતાં કે પાઇપ લીકેજ થવા સહિતની સમસ્યાથી 8 માસમાં ગોદીરોડની પ્રજાને છ વખત પાણી માટે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
સતત 13 દિવસ પાણી મળ્યું ન હતું
દોઢ વર્ષ પહેલાં મોટર ખરાબ થવાને કારણે કડાણા ઉપર આધારિત એવા ગોદીરોડ વિસ્તારની પ્રજાને સતત 13 દિવસ સુધી પાણી મળ્યું ન હતું. ત્યાર બાદ પણ સમસ્યાઓ સર્જાતાં બે કે પાંચ દિવસ પાણી નહીં મળવાની સમસ્યા સામાન્ય થઇ ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.