ઓઇલની ખોટી બિલ્ટી બનાવી ઇન્દોરથી ગોધરા ટેમ્પોમાં લઇ જવાતા 12 લાખ ઉપરાંતની 236 પેટી દારૂ સાથે ચાલકને એલસીબીએ દાહોદ શહેર નજીક ગોધરા હાઇવે ઉપર રામપુરામાં ઝડપી પાડ્યો હતો. જથ્થો, ટેમ્પો તથા એક મોબાઇલ મળી 22,28,040 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દાહોદ એસપી બલરામ મીણાએ દારૂના બુટલેગરો ઉપર તેમજ ગેરકાયદેસર દારૂની હેરાફેરી/ પરીવહન કરતા ઇસમોના આશ્રય સ્થાનો ઉપર રેડ માટે એલ.સી.બી. પી.આઇ બી.ડી.શાહને સુચના અને માર્ગદર્શન કર્યુ હતું. જે અનુસંધાને પી.આઇ. બી.ડી. શાહ તથા પોસઇ એમ.એફ. ડામોર, પોસઇ એન.એન.પરમાર તથા સ્ટાફની જુદી - જુદી ટીમો બનાવી ઇન્દોર-ગોધરા નેશનલ હાઇવે રોડ ઉપર મધ્યપ્રદેશ તરફથી ગેરકાયદે દારૂની હેરાફેરી પરીવહન કરતા વાહનોની માહિતી એકત્રિત કરવાની કામગીરીમા હતા.
દરમિયાન શુક્રવારના રોજ બી.ડી.શાહને બાતમી હકિકત મળેલ કે, MH-46-AR-7554 નંબરના આઇસર ટેમ્પોમાં મધ્યપ્રદેશ બાજુથી ઇંગ્લીશ દારૂ ભરી લઇ ગોધરા તરફ જનાર છે. બાતમી વાળા આઇસર ટેમ્પાની એલ.સી.બી.ની ટીમે રામપુરા ગામે વોચમાં રહી ટેમ્પો પકડ્યો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લાના શેત્રાઉના મંગારામ આસુરામ જાટે ઓઇલની બિલ્ટી બતાવી હતી.
તપાસ દરમિયાન ટેમ્પોમાં દારૂ મળી આવ્યો હતો. ટેમ્પોમાંથી 12,23,040ની દારુની 236 પેટીઓ જેમાં 2832 બોટલો મળી આવી હતી. જથ્થો તથા 10,00,000નો ટેમ્પો અને મોબાઇલ મળી કુલ ~22,28,040 ના મુદ્દામાલ કબજે લઇને ચાલક મંગારામની ધરપકડ કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.