ધરપકડ:બાઇકની ચોરીમાં 23 વર્ષથી ફરાર તસ્કર ઝડપાયો

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોરી બાદ 23 વર્ષે પકડાયો સવલો માવી. - Divya Bhaskar
ચોરી બાદ 23 વર્ષે પકડાયો સવલો માવી.
  • દાહોદના નાની લછેલી ગામે ઘરે આવતાં પેરોલ ફર્લોએ ઝડપી પાડ્યો
  • માંડવીમાં​​​​​​​ 25ની ઉમરમાં બાઇક ચોરી કરી હતી અને 48ની ઉંમરે પકડાયો

સુરતના માંડવીમાં મોટરસાઇકલની ચોરીના ગુનામાં છેલ્લા 23 વર્ષથી ફરાર દાહોદના નાની લછેલી ગામના એક આધેડની પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. દાહોદ તાલુકાના નાની લછેલી ગામના સવલાભાઇ બચુભાઇ માવીએ સુરત ગ્રામ્યના માંડવીમાં 2000ના વર્ષમાં મોટર સાઇકલની ચોરી કરી હતી. આ સવલા સામે નામ જોગ ગુનો દાખલ થયો હતો. ફરિયાદ થયા બાદ સવલો પોતાના પરિવારને પણ નાની લછેલી ગામમાંથી લઇ ગયો હતો.

ત્રણેક વર્ષ જુદા-જુદા ગામમાં મજુરી કામ કર્યા બાદ તે છેલ્લા 20 વર્ષથી ગોંડલના સ્વામી નારાયણ મંદીરમાં સફાઇ સહિતની કામગીરીની સેવા આપતો હતો. ગોંડલમાં જ વસી ગયો હોવાથી ઘર જમીન હોવા છતાં તે ક્યારેય નાની લછેલી આવતો ન હતો.

એલસીબી પીઆઇ બી.ડી શાહને સવલાભાઇ જમીન સબંધિ કામ અર્થે તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળી હતી. ત્યારે કતવારા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા નીકળેલી ટીમને આ અંગેની જાણ કરાઇ હતી.

ટીમે સીફતપૂર્વક નાની લછેલી જઇને પોતાના ઘરે હાજર સવલાભાઇને ઝડપી પાડ્યો હતો. સવલાની 25 વર્ષની ઉમર હતી ત્યારે તેણે આ મોટરસાઇકલ ચોરીનો ગુનો આચર્યો હતો. હાલમાં તેની ઉમર 48 વર્ષ છે. સવલાએ આ વર્ષો દરમિયાન અન્ય કોઇ સ્થળે ચોરી કરી છે કે નહીં અને તેનો કોઇ ગુનાઇત ઇતિહાસ છે કે નહીં તે અંગેની પૂછપરછ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...