કૃષિ:દાહોદમાં સપ્તાહમાં 2 લાખ કિલો કેરી ઠલવાઇ

દાહોદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદવાસીઓ આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળની કેરીઓ ખાય છે
  • ગત વર્ષ કરતા થોડા ભાવવધારા સાથે કેરીઓનું આગમન મોડું થયું

દાહોદવાસીઓ ઉનાળાની સિઝનમાં દર વર્ષની માફક દક્ષિણ ગુજરાત સહિત દેશના આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ જેવા રાજયોમાંથી આવેલી કેરીનો સ્વાદ માણી રહ્યા છે. દાહોદમાં દૈનિક સરેરાશ 5 ટ્રક જેટલો કેરીઓ આવે છે. ગરબાડા રોડ ખાતે ચાલતા મહાત્મા ગાંધી ફળફળાદી માર્કેટમાં 50 જેટલા નાના મોટા વેપારીઓ પૈકી કેરીનો વ્યવસાય કરતા 10 વેપારીઓ હોલસેલ વેપારીઓ છે.

જેઓ દુરદુરથી દાહોદમાં વેચવા માટે આ માલ મંગાવે છે. એક ટ્રકમાં લગભગ 18 ટન અર્થાત પાંચ ટ્રકમાં કુલ 90 થી 100 ટન કેરીઓની દાહોદ ખાતે આવક થાય છે. બાંસવાડા, ધાર જેવા નજીકના પ્રાંતોમાં પણ દાહોદથી નિકાસ થાય છે. વલસાડી આફૂસ, વલસાડથી માત્ર ટ્રેન દ્વારા જ આવતી હતી તે હજુ ટ્રેન ચાલુ નહીં થઇ હોઈ આવવા નથી પામી. સ્થાનિક સ્તરેથી લીમખેડા, ચોસલા સદ્દગુરુ, બારીયા, ધાનપુર, રોઝ ફાર્મ હાઉસ, આઈ.એસ.બગીચા જેવા સ્થળોએ પાકતી દેશી કેરી હજુ આવી નથી.

દાહોદ માર્કેટમાં તા.20 મે થી 26 મે સુધીના 6 દિવસમાં જ વિવિધ પ્રકારની 2,11,700 કિલો કેરીઓની આવક નોંધાઈ હતી. જેનો ભાવ તા.20-5 ના રોજ સરેરાશ 7000 રૂ./100 કિગ્રા અને સૌથી ઓછો ભાવ તા.26-5-’20 ના રોજ 2000 રૂ./100 કિગ્રા નોંધાયો હતો. આમ, કેરીઓની આવક વધતા અને લોકડાઉનની છૂટ મળતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

અનેક જાતની કેરીનું આગમન થાય છે
 દાહોદમાં મે માસથી જ સાઉથ ઇન્ડિયામાંથી બદામ કેરીનું આગમન થયા બાદ કેસર જેવી પણ ઓછા ભાવની કેરી આવે છે. બાદમાં તલાલા, ગીર, કુતિયાણા, વેરાવળ કે કચ્છથી અસલી કેસર આવે છે. તોતા અને આફૂસ સાથે લંગડો, દશેરી, નીલમ જેવી કેરીઓનું આગમન થાય છે. તો આ સમયે જ આમ્રપાલી અને મલ્લિકા જાતની કેરીઓ પણ દાહોદમાં વેચાવા આવે છે.>ઈદ્રીશભાઈ સત્તારભાઈ, હોલસેલ વેપારી

અન્ય સમાચારો પણ છે...