હડતાળનું એલાન:દાહોદ જિલ્લામાં 605 પંચાયતના 183 તલાટીઓ હડતાળ પર ઉતર્યા

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્વજ વંદન સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરાશે
  • તલાટી કમ મંત્રીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન

દાહોદ જિલ્લામાં વિવિધ માગણી સંદર્ભે તલાટી કમ મંત્રીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરવામાં આવ્યુ છે. દાહોદ જિલ્લાના પણ 605 ગ્રામ પંચાયતનું સંચાલન કરતાં 183 તલાટીઓ પણ રાજ્યવ્યાપી આ હડતાળમાં જોડાશે તેવું જાણવા મળ્યું છે. દાહોદ જિલ્લામાં તલાટી કમ મંત્રીઓના યુનિયનના આદેશથી તલાટીઓ મંગળવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરવાની આ જાહેરાત કરી છે. ત્યારે હડતાળથી જિલ્લામાં ભારે અગવડતાની શક્યતાઓ છે.

હડતાળને કારણે પંચાયતોમાં નિયમીત થતાં કામો જેવા કે વારસાઇ, પેઢીનામુ, આવક-જાતિના દાખલા, જન્મ-મરણના દાખલા, ઘરવેરાની પહોચ, આકારણી, વિધવા દાખલો,પાણી પત્રક કામગીરી સહિતની જરૂરિયાતો વિનામૂલ્યે મળતી માહિતી અને જાણકારી બંધ થઇ જશે. પોતાના પાંચ પડતર પ્રશ્નોને કારણે તલાટીઓ હડતાળ ઉપર ઉતરવાના છે અને ધ્વજ વંદન સિવાયની તમામ કામગીરીનો વિરોધ કરાયો છે. તલાટીઓ દ્વારા સોમવારના રોજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને આવેદન પણ આપ્યા હતાં. તલાટીઓની હડતાળને કારણે વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અને ખેડુતોને પીએમજેવાય યોજના માટે આવકના દાખલામાં ખાસ કરીને તકલીફ પડવાની આશંકા વ્યક્ત કરવામા આવી રહી છે.

પડતર માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમે હડતાળમાં જોડાવાના છીએ
વર્ષ 2018થી લેખિત અને મૌખિત રજૂઆતો છતાં પાંચ પડતર માગણી નહીં સંતોષાતા અમે પણ હડતાળમાં જોડાવાના છીયે. માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ઉપર રહીશું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ધ્વજવંદનની કામગીરીમાં જ અમે જોતરાઇશું તે સિવાયની તમામ કામગીરીથી અળગા રહીશું. પંચાયત ઉપર નહીં જઇ તાલુકા પંચાયત ખાતે ભેગા મળીને બેસીશું. >એ.વીડોડિયાર, જિલ્લા સંઘ તલાટી, પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...