અકસ્માત:દાહોદના જાનૈયાઓની લક્ઝરી બસને ચિત્તોડગઢ પાસે અકસ્માત: 17 ઘાયલ

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલકને ઝોકંુ આવતાં ઉભેલા ટ્રેલર પાછળ લક્ઝરી ભટકાઇ : ત્રણ ગંભીર
  • અજમેરથી લગ્ન પૂર્ણ કરીને પરત ફરતી વેળા ઘટના સર્જાતા ખળભળાટ

અજમેરથી લગ્ન બાદ નીકળેલી દાહોદના જાનૈયાઓની લકઝરી બસને રાજસ્થાનના ચિત્તોગઢ નજીક ઉદયપુર સિક્સલેન ઉપર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં દાહોદ અને અમદાવાદના 17 લોકો ઘાયલ થયા હતાં.તેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સાંસી સમાજમાં ખળભળાટ મચી ગયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ ખાતે રહેતાં મંગલભાઇ સાંસીના પૂત્રના બોબી લગ્ન અજમેર ખાતે નક્કી કરાયા હતાં. ત્રણ ટ્રાવેલ્સ અને કારો લઇને જાનૈયા 11 તારીખની રાત્રે દાહોદથી નીકળ્યા હતાં. લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ ટ્રાવેલ્સમાં બેસીને જાનૈયા પરત આવી રહ્યા હતાં. ત્યારે ચિત્તોડગઢ-ઉદયપુર સિક્સલેન પર રીઠોલા ઈન્ટરસેક્શન પાસે પાર્ક કરેલા ટ્રેલરમાં લકઝરી બસ અથડાઈ હતી.

બાંસવાડાના સંક્રોડ ગામના રહેવાસી લકઝરી ચાલક નરેશને વહેલી પરોઢે ઝોંકુ આવી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં લકઝરી બસમાં એક બાજુના સ્લીપરમાં સૂતેલા 17 જાનૈયાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે ધસી ગયેલી પોલીસ અને પસાર થતાં વાહનમાં સવાર લોકોએ ઘાયલ જાનૈયાઓને બહાર કાઢ્યા હતાં. તમામ ઇજાગ્રસ્તોને શ્રી સાંવલિયાજી હોસ્પિટલના ટ્રોમાં વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં.

અકસ્માતના ઇજાગ્રસ્તોની યાદી
દાહોદના મયંક પ્રકાશકુમાર, અમદાવાદના રિતેશ બાબુભાઈ માંજરેકર, દાહોદના પિન્ટુ સુરેશભાઈ, અમદાવાદની મનીષા કમલેશ, દાહોદની પુષ્પા રિતેશ, સોમાભાઈ ઓમપ્રકાશ ભુરિયા, સુરેશ સૂરજપાલ, અમદાવાદના કરુણ તેજ, સરમિષ્ઠા સુરેશ ગુમાના, અમદાવાદના રાજવીર મનોજ, યોગેશ મહેશકુમાર ગુમાણા, મનોજ રતન ભાઈ, ગીરીશ મનોજ, મનીષા મનોજ, બાંસવાડાના અરુણ અમરીશભાઈ, બાંસવાડાનો ડ્રાઇવર નરેશ, દાહોદ નિવાસી શ્રદ્ધા સંતોષ અને કંડક્ટર અરવિંદ ઘાયલ થયા હતાં. ગંભીર ઘાયલ સોમાભાઈ, પુષ્પા, સુરેશ, પિન્ટુને રીફર કરાયા હતા.

લાંબી મુસાફરી હતી માટે ઝોકંુ આવી ગયું
લકઝરીનો એક્સ્ટ્રા ચાલક અરવિંદ મુખ્ય ચાલક નરેશચંદ કરતાં વધુ ઘાયલ થયો હતો. ચાલક નરેશે જણાવ્યુ હતું કે, રાત્રે 11 વાગ્યે જમીને 12 વાગ્યે બસ રવાના કરાઇ હતી. બસમાં 20થી 25 જાનૈયા હતાં. લાંબો રૂટ હોવાથી અજમેરથી નીકળ્યા બાદ વીજયનગરમાં હોટેલ પર ચા પીવા રોકાયો. ચિત્તોગઢ નજીક આવ્યા બાદ ચા પીવાનું વિચાર્યુ પણ પોણા 4 વાગ્યા હતાં. દરમિયાન ઝોંકુ આવતાં અંધારામાં ઉભેલો ટ્રેલર જોવાયું ન હતું. દાહોદથી અજમેર જતી વખતે 3 બસો એકસાથે ચાલી રહી હતી પણ પરત વળતી વખતે અમારી બસ પહેલાં રવાના કરાઇ હતી. બસો સાથે હોત તો અક્સમાત ના થયો હોત. કંડ્ક્ટર અરવીંદ ગેટ પાસેની સીટ પર જ હતો,તેનો જીવ બચી ગયો.

અન્ય સમાચારો પણ છે...