દાહોદ પાસે ટ્રેન અકસ્માત:મંગલ મહુડી ગામે ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યા, મુંબઈ-દિલ્હી સહિત 30 ટ્રેન ડાઇવર્ટ કરાઈ, 26 ટ્રેન રદ

દાહોદ2 મહિનો પહેલા
 • દોઢ કિમી સુધી માલગાડીના ટુકડા દેખાયા, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ

દાહોદ નજીક મંગલ મહુડી ગામે પસાર થતા દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર મોડી રાત્રે મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યા હતા. જેના પગલે દિલ્હી મુંબઈ વચ્ચે બંને તરફનો રેલ વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માતને લઇને 30 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે 26 ટ્રેન રદ્દ કરાઇ છે.

મધરાતે અકસ્માત થતાં હુટરો ગુંજી ઉઠ્યા
વડોદરાથી રતલામ તરફ જઈ રહેલી ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા દાહોદ પાસે મંગલ મહુડી રેલવે સ્ટેશન પાસે રાત્રે 12થી 1 વાગ્યાની વચ્ચે ખડી પડ્યા હતા. જેથી આ અકસ્માત સર્જાતા જ રેલવે સ્ટેશનના હુટરો ગુંજી ઉઠ્તા દોડધામ મચી ગઈ હતી.

દોઢ કિ.મી સુધી માલગાડીના ટુકડા દેખાયા
આ રેલ અકસ્માતમાં ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા એક પર એક ચડી જતા રમમોટો કહી શકાય તેવી રેલ દુર્ઘટના સર્જાઈ હતી. મોડી રાત્રે બનેલા આ બનાવના પગલે દોઢ કિલો મીટર સુધી રેલવે લાઈન પર માલગાડીના ટુકડા જોવા મળ્યા હતા. તેમજ રેલવેની 25 હજાર મેગા વોટની વીજલાઇન પણ તૂટી જવા પામી હતી. આ અકસ્માત સમયે માલાગાડી 110ની સ્પીડે જઈ રહી હતી. તે દરમિયાન તેના પૈડા લોક થઈ હતા તે ટ્રેક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. જેના કારણે લગભગ એક કિ.મી સુધી માલગાડીના ડબ્બાના વ્હીલ ઘસડાયા હતા. જોકે, આ રેલ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ડીઆરએમ સહિતનો કાફલો દોડી આવ્યો
બનાવની જાણ રેલવેના ઉચ્ચ અધિકારીઓને કરાતા રેલવેના ડીઆરએમ, સ્ટેશન માસ્ટર, સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને યુદ્ધના ધોરણે દિલ્હી મુંબઈ વચ્ચેનો બંધ પડેલો રેલ વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરીમાં જોતરાયા હતા.

અકસ્માતનુ કારણ અકબંધ
આ અકસ્માત કયા કારણોસર થયો તે સત્તાવાર રીતે જાણવા મળ્યુ નથી. બીન સત્તાવાર રીતે એવુ કહેવાઈ રહ્યુ છે કે, કોઈ એક ડબ્બાના વ્હીલ લોક થઈ જતા અકસ્માત સર્જાયો હતો, પરંતુ તપાસ બાદ જ સાચુ કારણ જાણી શકાશે.

30 ટ્રેન ડાયવર્ટ, 26 ટ્રેન રદ્દ
આ રેલ અકસ્માતને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. અકસ્માત બાદ 30 ટ્રેન ડાયવર્ટ કરાઈ છે. જ્યારે આજે વધુ ટ્રેન ડાયવર્ટ કરવી પડશે. તેની સાથે 26 ટ્રેન રદ્દ કરાઇ છે. જો તેમા પેસેન્જર ટ્રેન હશે તો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે તે નિશ્ચિત છે.
કઇ ટ્રેનો રદ્દ કરાઈ વાંચો લિસ્ટ

અકસ્માતમાં વ્યાપક નુકસાન થયું
આ રેલ અકસ્માતમાં રેલવે વિભાગને વ્યાપક નુકસાન થયુ છે. રેલવે ટ્રેકને પણ નુકસાન થયુ છે. તેવી જ રીતે વીજ લાઈનની પણ ક્ષતિગ્રસ્ત થતા તેનું પણ નુકસાન થયુ છે તેવુ રતલામ ડિવિઝનના ડીઆરએમ વિનીત ગુપ્તાએ જણાવ્યુ હતું.

મુસાફરો અંકલેશ્વર ભરૂચ સ્ટેશન ઉપર અટવાયા
ગુડ્સ ટ્રેનના અકસ્માતને લઇને ટ્રેનોને ડાયવર્ટ અને રદ્દ કરાતા ઉતરપ્રદેશ, બિહાર દિલ્હી જનારા અનેક મુસાફરો અટવાય પડ્યા હતા. અંકલેશ્વર, ભરૂચ રેલવે સ્ટેશન ઉપર લાંબી મુસાફરી કરનારા મુસાફરોએ હાલાકી ભોગવવી પડી હતી. રેલ્વે સ્ટેશનની ઇન્કવાયરી બારી પર અનેક મુસાફરો ટ્રેન વ્યવહાર ક્યારે પૂર્વવત થશે તેમજ ટ્રેન વિશે પૂછપરછ કરતા જોવા મળ્યા હતા.
​​​​​​​
રદ્દ થયેલી ટ્રેનો

 • 1) 12956 (જયપુર - મુંબઈ)
 • 2) 12955 (મુંબઈ - જયપુર)
 • 3) 22944 (ઈન્દોર - દાઉન્ડ)
 • 4) 22943 (દાઉન્ડ - ઇન્દોર)
 • 5) 12962 (ઈન્દોર - મુંબઈ)
 • 6) 22933 (બાંદ્રા - જયપુર)
 • 7) 12947 (અમદાવાદ - પટના)
 • 8) 12903 (મુંબઈ - અમૃતસર)
 • 9) 22413 (મડગાંવ-નિઝામુદ્દીન)
 • 10) 19167 (અમદાવાદ - વારાણસી)
 • 11) 12961 (મુંબઈ – ઈન્દોર)
 • 12) 22209 (મુંબઈ - નવી દિલ્હી)
 • 13) 19037 (બાંદ્રા - બરૌની)
 • 14) 09067 (બાંદ્રા - ઉદયપુર શહેર)
 • 15) 19019 (બાંદ્રા - હરિદ્વાર)
 • 16) 12917 (અમદાવાદ - નિઝામુદ્દીન)
 • 17) 20946 (નિઝામુદ્દીન - એકતાનગર)
 • 18) 01468 (અમદાવાદ - આગ્રા કેન્ટ)
 • 19) 19309 (ગાંધીનગર - ઇન્દોર)
 • 20) 19310 (ઈન્દોર-ગાંધીનગર)
 • 21) 09320 (દાહોદ - વડોદરા મેમુ).
 • 22) 19819 (વડોદરા - કોટા)
 • 23) 09317 (વડોદરા - દાહોદ)
 • 24) 12953 (મુંબઈ સેન્ટ્રલ - નિઝામુદ્દીન)
 • 25) 12925 (બાન્દ્રા ટર્મિનલ્સ - અમૃતસર)
 • 26) 19820 (કોટા - વડોદરા)

ત્રણ મીનીટ પહેલાં જ ડાઉન ટ્રેકથી પેસેન્જર ટ્રેન નીકળી હતી
મંગલમહુડીમાં અપ લાઇન ઉપર માલગાડીનો અકસ્માત સર્જાયો હતો. ત્યારે ખડી પડેલા વેગન ડાઉન લાઇન ઉપર પણ આવી ગયા હતાં. જાણવા મળ્યા મુજબ અકસ્માતની ત્રણ મીનીટ પહેલાં જ મંગલમહુડીથી ડાઉન લાઇન ઉપરથી એક પેસેન્જર ટ્રેન પસાર થઇ હતી. અકસ્માત ત્રણ મીનીટ વહેલો થયો હોત તો આ પેસેન્જર ટ્રેન પણ માલગાડીના વેગનોની લપેટમાં આવતાં મોટી હોનારત થતી તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

38 વેગન કાપી માલગાડી પીપલોદ રવાના કરાઇ
​​​​​​​અકસ્માતમાં 16 વેગન જ ઇફેક્ટેડ થયા હતાં. જ્યારે તેની આગળના વેગનને કોઇ જ અસર થઇ ન હતી. ધસી ગયેલા રેલવે અધિકારીઓએ 38 વેગન વાળી માલગાડીને અકસ્માતગ્રસ્ત વેગનથી છુટ્ટી કરીને આગળ વધારી દીધી હતી. આ માલગાડી પીપલોદના રેલવે સ્ટેશને થોભાવી દેવામાં આવી હતી.

સુનકાર વિસ્તાર- મધરાત હોવાથી કોઇ જાનહાનિ નહીં
મંગલમહુડીમાં અકસ્માત સર્જાયો હતો તે સુનકાર અને ડુંગરાળ વિસ્તાર હતો. બીજુ સદભાગ્ય એ રહ્યું કે અકસ્માત મધ્યરાત્રે સર્જાયો હતો. દિવસ દરમિયાન જો આ અકસ્માત થયો હતો તો ટ્રેકની આસપાસ ઢોરો ચરાવતા લોકો કે ઢોરોને નુકસાન થઇ શકતુ હતું. આ બનાવ જો સ્ટેશન અને રેલવે ટ્રેક નજીક વસ્તિ વાળા વિસ્તારમાં થતો તો કદાચ જાનમાલનું મોટુ નુકસાન વેઠવુ પડ્યુ હોત.

ઘટનાના કારણોની તપાસ કરાઇ રહી છે
મધ્ય રાત્રે ઘટના સર્જાઇ હતી.જેમાં 16 ડબ્બાને નુકસાન થયુ છે. રેસ્ટોરેશનની કામગીરી શરૂ કરી દેવાઇ છે. અમારી પ્રાથમિકતા રીસ્ટોર કરીને લાઇન ચાલુ કરવાની છે. ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. > વિનિત ગુપ્તા, ડીઆરએમ, રતલામ મંડળ

અન્ય સમાચારો પણ છે...