દેવગઢ બારિયા તાલુકાના છાસિયા ગામમાં રહેતી 13 વર્ષ અને 25 દિવસની ઉમર ધરાવતી કૃષ્ણાબેન રમેશભાઇ નાયક ડભવા ગામે આવેલા ભારતી કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી હતી. તા. 9 ની સાંજના 6 થી 6.30 ના અરસામાં કૃષ્ણાબેન છાત્રાલયમાં આવેલા હેન્ડપંપ ઉપર પાણી પીવા માટે ગઇ હતી. ત્યાંથી તેના રૂમમાં પરત ન આવી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. કન્યા છાત્રાલયના સ્ટાફ દ્વારા કૃષ્ણાની આસપાસ શોધખોળ કરવામાં આવી હતી.
પરંતુ તેનો કોઇ જ પત્તો મળ્યો નહતો. આ મામલે છાત્રાલયના જવાબદારોએ તેના પરિવારને પણ જાણ કરી હતી. થોડા દિવસો પહેલાં ત્રણ બાળકીઓ પોતાના ઘરે જવા માટે કીધા વગર પગપાળા નીકળી જતાં પોલીસે ઘનિષ્ઠ તપાસ બાદ તેઓ સવારના સમયે મળી આવી હતી. ત્યારે ગુમ થયેલી આ તરૂણી ઘરે તો પહોંચી ન હતી પરંતુ કોઇ સગા સબંધિને ત્યાં પણ તેનો કોઇ જ પત્તો મળ્યો ન હતો. અંતે કન્યા છાત્રાયલના જવાબદાર શારદાબેન ચીમનભાઇ નાયકે સાગટાળા પોલીસ મથકે જાણ કરી હતી. કૃષ્ણાબેનનું અપહરણ થયુ હોવાની આશંકાના પગલે પોલીસે અપહરણ સબંધિ ગુનો દાખલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.