રોગચાળો:દાહોદમાં 120 લોકો ડેન્ગ્યૂ પોઝિટિવ, પોલીસ કર્મીનું મોત, સરકારી-ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની લાંબી કતારો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કેસ કઢાવવા લોકોની કતાર - Divya Bhaskar
દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કેસ કઢાવવા લોકોની કતાર
  • દાહોદમાં સૌથી વધુ અસર : સર્વેલન્સ સાથે તંત્રની જનજાગૃતિ માટે મીટિંગો શરૂ

દાહોદ જિલ્લામાં મચ્છર અને પાણીજન્ય રોગોએ માઝા મુકી છે. તેના કારણે વિવિધ પ્રકારના તાવનો વાવર ફેલાયો છે. તેમાં ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગે માથુ ઉંચકતા છેલ્લા આઠ જ દિવસમાં તેના કેસોની સંખ્યા 120 ઉપર પહોંચી ગઇ છે. તેમાંય ચિંતાજનક બાબત એ છે કે, સૌથી વધુ 66 કેસ માત્ર એકલા દાહોદ શહેરમાં નોંધાયા છે. ડેન્ગ્યુના કારણે એક પોલીસ કર્મચારીનું દાહોદની જ ખાનગી હોસ્પિટલમાં મોત પણ થઇ જતાં ખળભળાટ મચી ગયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ શહેર સહિત જિલ્લામાં મચ્છરોના ઉપદ્રવને કારણે સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.

ત્યારે વહિવટી તંત્ર દ્વારા આ રોગને નાથવા માટે વિવિધ પ્રકારના સર્વેલન્સની કામગીરી તો કરાઇ રહી છે સાથે તે અંગેની જનજાગૃતિ આવે તે માટે પાલિકાના કોર્પોરેટર, વિવિધ મંડળો અને આગોવાનો સાથે મીટીંગનો દોર પણ શરૂ કરાયો છે. દાહોદ શહેરમાં હાલમાં સતત વરસાદ પડી રહ્યો છે. ડેન્ગ્યૂના કેસથી અત્યાર સુધી સંજેલી અને સીંગવડ તાલુકો જ બાકાત રહ્યો છે. બાકી આખા જિલ્લામાં ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા છે. આ ડેન્ગ્યુના કારણે દાહોદના આઇબી વિભાગમાં ફરજ બજાવતા રાજેશભાઇ પલાસનું નિધન થઇ ગયું હોવાનું જાણવા મળ્યુ છે.

કયા તાલુકામાં ડેન્ગ્યૂના કેટલા કેસ

દાહોદ શહેર66
દાહોદ તાલુકો25
દે.બારિયા4
ગરબાડા6
ધાનપુર2
ફતેપુરા2
લીમખેડા7
ઝાલોદ8

નાનસલાઇમાં ગંભીર અકસ્માતમાં આબાદ ઉગર્યા હતા પણ ડેન્ગ્યૂનો ભોગ બન્યા
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં વર્ષ 2012માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સભા ટાંણે બંદોબસ્તમાંથી પરત ફરતી વેળા પોલીસ વાનના ચાલકને ચાલુ વાને હાર્ટ એટેક આવતાં નાન સલાઇ ગામમાં આખેઆખી વાન એક થાળા વગરના મોટા કુવામાં પડી ગઇ હતી. આ અકસ્માતમાં છ મહિલા અને પાંચ પુરૂષ મળીને કુલ 11 પોલીસ કર્મચારીઓ મોતને ભેંટ્યા હતાં.તે વખતે આ વાનમાં સવાર રાજેશભાઇ પલાસનો આબાદ બચાવ થયો હતો. ગંભીર અકસ્માતમાંથી ઉગરેલા રાજેશભાઇને પ્રથમ તાવ આવતાં સારવાર લીધી હતી. તપાસમાં ડેન્ગ્યુ ડિટેક્ટ થયો હતો. તબિયત બગડતાં તેમને 13મી તારીખે ખાનગી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે, તેઓ સ્વસ્થ થાય તે પહેલાં જ નિધન થઇ જતાં પરિવાર સાથે પોલીસ બેડામાં પણ શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

શહેરના બસ સ્ટેન્ડમાં હાલ પણ ગંદકી અને પાણીનો ભરાવો
થોડા દિવસ પહેલાં આરોગ્ય વિભાગની તપાસમાં સંખ્યાબંધ સ્થળેથી લારવા મળતાં હોસ્પિટલ અને બસ સ્ટેન્ડ નોટિસ આપી હતી. દાહોદ શહેરના બસ સ્ટેન્ડમાં હાલ પણ ગંદકી અને પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. બસસ્ટેન્ડમાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં મુસાફરો આવે છે ત્યારે પરિસરમાં લારવા ડેન્ગ્યુનો રોગ ફેલાવતા મચ્છરોમાં પરિવર્તિત થતાં તે લોકોને નીશાન બનાવી રહ્યો છે. જાહેર સ્થળોએ તકેદારી જરૂરી બની છે.

ખુલ્લા પ્લોટો પાણીથી લથપથ
શહેરમાં સંખ્યાબંધ વિસ્તારોમાં ખુલ્લા પ્લોટો ગંદકી અને પાણીથી ખદબદતા જોવા મળી રહ્યા છે. આ ખુલ્લા પ્લોટો મચ્છરોના ઉત્પતિસ્થાન બની રહ્યા હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. આ દિશામાં પણ તંત્રએ નક્ક પગલાં ભરવા જરૂરી બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...