કોરોના બાદ H3N2 વાઇરસે માથું ઉચકતા લોકોમાં ભયની લાગણી ફેલાવા સાથે આરોગ્ય તંત્ર પણ સાવધાનની મુદ્રામાં છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ બેવડી ઋતુને કારણે ખાંસી-શરદી સાથેના તાવના કેસોમાં ઉછાળો આવ્યો છે.
જિલ્લામાં 97 PHC અને 20 CHCમાં છેલ્લા એક સપ્તાહમાં શરદી-ખાંસી -તાવના 254 કેસ સામે આવ્યા છે જ્યારે ઝાયડસ હોસ્પિટલમાં 875 કેસ નોંધાયા છે. તબીબોના જણાવ્યા મુજબ શહેરમાં હાલ ડબલ ઋતુમાં વાયરલ બીમારીઓ વધી રહી છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં થોડા દિવસ પહેલાં જ વાદળછાંયુ વાતાવરણ અને કમોસમી વરસાદ પડતા અને ઠંડો પવન ફુકાતા લોકોને અત્યાર સુધી રાતના સમયે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. દિવસ ગરમી અને રાત્રે ઠંડકની આ ડબલ ઋતુના કારણે દવાખાનાઓમાં દર્દીઓની કતારો લાગી છે.
જિલ્લામાં H3N2 વાઇરસ અંગે રાજ્ય સરકાર દ્વારા ગાઇડ લાઇન મોકલીને સજ્જ રહેવા જણાવવામાં આવ્યુ હતું. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ PHC અને CHC ઉપર શરદી,ખાંસી અને તાવના દર્દીઓનું સર્વેલન્સ કરવાની સુચનાઓ અપાઇ હતી.
આ સાથે જો તેમનામાંથી કોઇ શંકાસ્પદ જણાય તે તેના નમૂના પરિક્ષણ માટે મોકલવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, PHC,CHC અને ઝાયડસ મળીને છેલ્લા 1 સપ્તાહમાં 1129 દર્દી શરદી,ખાંસી અને તાવના સામે આવ્યા છે પરંતુ આ દર્દીઓમાંથી એક પણ વ્યક્તિ H3N2 વાઇરસ હોય તેવી શંકાસ્પદ મળી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.