દાહોદનાં જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે છ દિવસીય સાયબર ક્રાઇમને લગતી તાલીમનો પ્રારંભ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે કરાવ્યો છે. જેમાં જિલ્લાના 42 પોલીસકર્મીઓમાંથી 11 મહિલા પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ કરાયો છે. આ તાલીમ આગામી તારીખ 12 માર્ચ સુધી આપવામાં આવશે. દાહોદ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સયુક્ત ઉપક્રમે સાયબર ઇન્વેસ્ટીંગેશન અને સાયબર સિક્યુરિટીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે જણાવ્યું હતુ કે, ‘આધુનિક સમય સાથે ક્રાઇમ પણ આધુનિક ઢબે થઇ રહ્યાં છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેટલાંક લોકો ગુનો આચરતા હોય છે. આવા ક્રાઇમને રોકવા માટે જિલ્લાની પોલીસને આદ્યુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ થકી જિલ્લાના પોલીસ કર્મીઓ જેમાં ખાસ કરીને મહિલાઓને સાયબર ઇન્વેસ્ટીગેશન અને સાયબર સિક્યુરિટીની તાલીમ આપીને આવા ક્રાઇમ સામે સજ્જ કરવામાં આવી રહ્યાં છે.’
મદદનીશ પોલીસ અધિક્ષક વિજયસિંગે પણ અત્યારના સમયમાં વધી રહેલા સાયબર ક્રાઇમના સંદર્ભમાં સાયબર ઇન્વેસ્ટીગેશનની અગત્યતા વિશે જણાવ્યું હતું. આ છ દિવસીય તાલીમ સાયબર ક્રાઇમ એક્સપર્ટ મુર્તુઝાભાઇ દ્વારા અપાઇ રહી છે. તેમજ પંચમહાલના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એ. સાથીયા દ્વારા પણ પોલીસકર્મીઓને આ ક્ષેત્રનું જ્ઞાન અપાઇ રહ્યું છે. કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક પરેશ સોલંકી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. પુરૂષ પોલીસ કર્મચારીઓ સાથે 11 મહિલા પોલીસ કર્મચારીઓને પણ સાયબર ક્રાઇમ સામે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.