વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં:દાહોદ જિલ્લાના 696 ગામડાઓમાં વેક્સિનેશનની 100 ટકા કામગીરી પૂર્ણ, 18 વર્ષથી ઉપરના 99.43 ટકા લોકોએ રસી મુકાવી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુમાં વધુ લોકો રસી મુકાવે તેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસો કરાયા
  • 18 વર્ષ ઉપરના કુલ 14,97,343 લોકોએ વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લીધો

દાહોદ જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે જિલ્લાના 696 ગામમાં વેક્સિનના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના યુવાનોથી લઈ વયોવૃદ્ધ લોકોમાં હવે વેક્સિનને લઈ જાગૃતિ દેખાઈ રહી છે અને લોકો કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસી મુકાવી રહ્યા છે.

કોરોના મહામારીની દેશ, દુનિયાની સાથે દાહોદ જિલ્લામાં પણ ખાસી એવી અસર જોવા મળી હતી. દાહોદ જિલ્લાની સરકારી હોસ્પિટલની સાથે-સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો રાફડો ફાટયો હતો અને મૃત્યુ આંક પણ વધ્યો હતો. જેને પગલે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર સહિત જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે દેશમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવતા કોરોના સામે રક્ષણ મેળવવા અને લડત આપવા માટે કોરોનાથી બચવા માટે રસી લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરી હતી અને સરકાર દ્વારા તેમજ આરોગ્ય તંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યાં હતા. જેને પગલે દાહોદ જિલ્લાના શહેરી વિસ્તારની સાથે-સાથે ગ્રામીણ વિસ્તારના લોકોએ પણ રસી મુકાવી હતી.

દાહોદ જિલ્લો હવે 100 ટકા વેક્સિનેશન કામગીરી તરફ આગળ વધી રહ્યો છે. જિલ્લાના 696 ગ્રામીણ વિસ્તારોમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. જેમાં દાહોદ તાલુકાના કુલ 90 ગામમાં પ્રથમ ડોઝની સંપૂર્ણ વેક્સિનેશન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેવી જ રીતે ગરબાના 34, ધાનપુરના 90, દેવગઢબારિયા 83, ફતેપુરાના 96, લીમખેડા 82, સિંગવડના 71 અને સંજેલીના 56 ગામોમાં કોરોના વેક્સિનેશનની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ તમામ તાલુકાઓમાં તમામ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ હેલ્થ કેર વર્કરની વાત કરીએ તો 15,147 વર્કરોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે અને બીજા ડોઝમાં 15,249 લોકો રસી મુકાવી ચૂક્યાં છે. તેવી જ રીતે ફ્રન્ટલાઈન વર્કરોની વાત કરીએ તો તેમાં 25,944 વર્કરો પ્રથમ ડોઝ લઈ ચૂક્યાં છે અને 25,853 વર્કરો બીજો ડોઝ લઈ ચૂક્યાં છે. 18 વર્ષ ઉપરના વ્યક્તિઓમાં જિલ્લામાં કુલ 14,97,343 લોકોએ વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લઈ ચૂક્યાં છે. તેમજ 5,50,752 લોકો બીજો ડોઝ લઈ ચૂક્યાં છે.

ટકાવારી પ્રમાણે વાત કરીએ તો દાહોદ જિલ્લાના તમામ ગ્રામિણ વિસ્તારોમાં પ્રથમ ડોઝનું સો ટકા વેક્સિનેશન થઈ ચૂક્યું છે. હેલ્થ કેર વર્કરમાં 100 ટકા, ફ્રન્ટલાઈન વર્કરોમાં 99.67 અને 18 વર્ષથી ઉપરના લોકોમાં 99.43 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. આમ, આવનારા સમયમાં દાહોદ જિલ્લામાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થવામાં હવે વધારે સમય નહીં લાગે તે સ્પષ્ટ જોવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...