તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતા- પિતાએ અનંતની વાટ પકડી:દાહોદમાં 10 બાળકોએ કોરોનામાં માતા - પિતાની છત્રછાયા ગુમાવી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસિક રૂ. 4000ની સહાય માટે જિલ્લા બાળસુરક્ષા એકમ જાતે કઢાવે છે દસ્તાવેજો
  • ધાણીખૂંટમાં 3 બાળકોનાં માતા- પિતાએ અનંતની વાટ પકડી

દાહોદ જિલ્લામાં 10 દંપતી કોરોનાનો ભોગ બન્યાં હોવાનું સામે આવ્યું છે. આ દંપતીનાં બાળકો હવે દાદા-દાદી અથવા કાકા-કાકીના સહારે છે, જેમાં ધાણીખૂંટ ગામમાં તો ત્રણ બાળકોનાં માથેથી માતા-પિતાની છત્રછાયા એકસાથે છીનવાઇ ગઇ હતી. કોરોનાકાળની આવી અનેક કરુણાંતિકામાં રાહતની વાત તો એ છે કે રાજ્ય સરકાર તેમને આર્થિક મદદ કરશે. ફતેપુરા તાલુકાના ધાણીખૂંટ ગામમાં રહેતા 32 વર્ષના વિજયભાઇ મકવાણા અને 30 વર્ષનાં આશાબેન મકવાણા અર્થોપાર્જન કરવા અમદાવાદ નજીક બાકરોલમાં કડિયાકામ કરતાં હતાં.

કાળમુખા કોરોનાની બીજી લહેર શાંત થવામાં હતી, એ દરમિયાન આ દંપતીને કડિયાકામ મળતાં તેઓ તેમના ત્રણ પુત્રો પૈકી અજિતને સાથે લઇ અમદાવાદ ગયા. બાકીના બે પુત્રો 11 વર્ષના અમિત અને આઠ વર્ષના રોમિતને પોતાના ઘરે દાદા પાસે મૂકીને ગયા હતા. ગત તારીખ 7 જૂને અચાનક તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં વિજયભાઇ અને આશાબેનને વતનમાં લવાયાં હતાં. પરિવારજનો અને ગામના અન્ય લોકોએ તેમને પ્રથમ સુખસર, પછી ઝાલોદ અને બાદમાં ઝાયડ્સ ખાતે લઇ આવ્યાં, પણ તેમને બચાવી શકાયાં નહીં. 2009માં લગ્નના તાંતણે બંધાનારા આ યુગલે સાથે અનંતની વાટ પકડી.

અમિત, રોમિત અને અજિત સાવ નિરાધાર થઇ ગયા. ત્રણે બાળકો તેમના દાદા ખેમાભાઇ અને દાદી સુમિત્રાબેન સાથે રહે છે. અમિતને સ્થિતિનો ખ્યાલ છે પણ રોમિત અને અજિતને દુનિયાદારીનો સ્પર્શ જ થયો નથી. આવી જ બાબતને ધ્યાને રાખીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાકાળમાં માતા-પિતા બન્ને ગુમાવનારાં બાળકોને માસિક રૂ. 4000ની સહાય કરવાનો ઉદાર ભાવ દર્શાવ્યો છે. દાહોદ જિલ્લામાં આવા દસ કિસ્સા ધ્યાને આવ્યા છે. જિલ્લા બાળ સુરક્ષા એકમમાં લીગલ પ્રોબેશન ઓફિસર અબ્દુલ વસીમ કુરેશી, સામાજિક કાર્યકર નારસિંગ બરજોડ અને નેહા મિનામા, ક્ષેત્રીય કાર્યકર પ્રતાપ કટારા સમય જોયા વિના આવાં બાળકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદ અપાવવા માટે મહેનત કરી રહ્યા છે. આ માટે જરૂરી માર્ગદર્શન સમાજ સુરક્ષા અધિકારી આર. પી.ખાંટા આપી રહ્યા છે.

દાહોદમાં કેટલાંક બાળકો પાસે પૂરતા દસ્તાવેજો નથી
બાળ કલ્યાણ સમિતિએ આ દસેય બાળકોના વાલીઓને માન્યતા આપી દીધી છે. વાલીપણાના નિર્ણય ખૂબ જ ઝડપથી લેવામાં આવ્યા છે. દાહોદમાં કેટલાંક બાળકો પાસે પૂરતા દસ્તાવેજો નથી, એટલે અમે જાતે એ દસ્તાવેજો કઢાવીએ છીએ. મૃત્યુના પ્રમાણપત્રો ઝડપથી નીકળી જાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે, એટલે અમે જાતે જ મૃત્યુના પ્રમાણપત્રો કઢાવી લઇએ છીએ. અમારી ટીમ દસ્તાવેજો પહોંચતા કરે છે. બાળકદીઠ રૂ. ચાર હજારની સહાય મળશે.>શાંતિલાલભાઇ તાવિયાડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી,દાહોદ.

57 બાળક એવાં, જેમણે માતા/પિતા ગુમાવ્યાં
દાહોદ જિલ્લામાં કોરોનામાં માતા-પિતા બંને ગુમાનવરાં બાળકોની સંખ્યા 10 સામે આવી છે, જ્યારે 18 વર્ષથી નીચેનાં હોય તેવાં 57 બાળકો એવાં પણ મળ્યાં છે જેમણે માતા કે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ બાળકો માટેની સહાયનો મામલે સરકારમાં વિચારાધીન હોવાનું જાણવા મળ્યું છે.