તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોમાં ખળભળાટ:દાહોદ જિલ્લાની બે મોડેલ સ્કૂલના 775 વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થશે

લીમખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગાસવાણી તેમજ વજેલાવ મોડેલ ડે સ્કૂલ બંધ કરવાના પરિપત્રથી ધો. 6થી 12ના વિદ્યાર્થીઓ અટવાશે
  • સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર કચેરી દ્વારા રાજ્યની 8 મોડેલ ડે સ્કૂલ બંધ કરવાનો પરિપત્ર

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર કચેરી દ્વારા દાહોદ જિલ્લાની આગાસવાણી તથા વજેલાવમાં ચાલતી મોડેલ ડે સ્કુલ બંધ કરવાના પરિપત્રથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તથા ફરજ બજાવતા શિક્ષકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઉપરાંત રાજ્યની અન્ય 6 મોડેલ ડે શાળા પણ બંધ કરવા માટે પરિપત્રમાં દર્શાવવામાં આવ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે ચાલતી સરકારી શાળા અચાનક બંધ થવાથી વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનશે તેવી દહેશત પંથકમાં ચર્ચાઈ રહી છે.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અગાસવાણી ગામમાં ચાલતી સરકારી મોડેલ ડે સ્કુલમાં ધોરણ 6થી 12ના 440 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 9 શિક્ષકો ફરજ બજાવે છે. જ્યારે ગરબાડા તાલુકાના વજેલાવ ગામમાં ચાલતી મોડેલ ડે સ્કુલમાં 335 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 10 શિક્ષકો ફરજ બજાવે છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સ્ટેટ્ પ્રોજેક્ટ ડાયરેક્ટર કચેરી દ્વારા તા.15/06/2021 ના પરિપત્રથી બન્ને મોડેલ ડે શાળાઓ બંધ કરવાનો આદેશ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારીને પાઠવવામાં આવ્યો છે.જેના કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા ફરજ બજાવતા શિક્ષકોમાં ફફડાટ સાથે ખળભળાટ મચ્યો છે.

રાજ્યની 6 શાળાઓ પણ બંધ કરાશે
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર કચેરીના પરિપત્ર મુજબ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ, ભાભર તાલુકાના કુવાળા, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખિયાળી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની ભીલોડ, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની દેમતી, વલસાડ જિ.ના કપરાડા તાલુકાની આસ્લોના મોડેલ શાળાઓ પણ બંધ કરવાનો પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે.

15 માસથી શિક્ષકોનો પગાર ચૂકવાયો નથી
અગાસવાણી તથા વજેલાવ શાળાના તમામ શિક્ષકોનો એપ્રિલ 2020 થી પગાર ચૂકવાયો નથી. આ બાબતે શિક્ષકોએ જિલ્લા કલેકટર રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી વિગેરે અનેક વખત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...