લીમખેડામાં ખૂની ખેલ:યુવતીને ભગાડનારા યુવકના પિતાનું અપહરણ કરી હત્યા; દાહોદ જિ. પંચાયતના ભાજપના મહિલા સભ્ય, સરપંચ પતિ સહિત 6ની સંડોવણી

લીમખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુક્રમભાઇના શરીરે ઇજાના નિશાન - Divya Bhaskar
સુક્રમભાઇના શરીરે ઇજાના નિશાન
  • પરમારના ખાખરિયાનો છોકરો ખીરખાઇની છોકરી ભગાડી ગયો
  • સરગવાના ઝાડ સાથે બાંધી ઢોર માર મારવામાં આવ્યો
  • ​​​​12 દિવસ પહેલાં ખીરખાઇની છોકરીને લઇને ભાગી ગયો હતો
  • ઘટનામાં રાજકીય વ્યક્તિઓની સંડોવણીથી વિસ્તારમાં ખળભળાટ

લીમખેડા તાલુકાના પરમારના ખાખરિયા ગામનો યુવક યુવતીને લઇને નાસી જતાં તેની રીસમાં યુવકના પિતાનું અપહરણ કરાયુ હતું. સરગવાના ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવા સાથે મોતને ઘાટ ઉતારીને લાશ ગામની સીમમાં ફેંકી દેવાઇ હતી. આ ઘાતકી કૃત્યમાં ખીરખાઇ ગામના સરપંચ, ચૈડિયા બેઠકની જિલ્લા પંચાયતની ભાજપી સભ્ય પત્ની સહિત છ લોકોની સંડોવણી સામે આવતા ખળભળાટ મચી ગયો છે. લીમખેડા પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અપહરણ બાદ આધેડની ક્રૂર હત્યાની ઘટનાથી પોલીસ મથક આગળ ભેગા થયેલા લોકો.
અપહરણ બાદ આધેડની ક્રૂર હત્યાની ઘટનાથી પોલીસ મથક આગળ ભેગા થયેલા લોકો.

લીમખેડા તાલુકાના પરમારના ખાખરિયા ગામમાં રહેતો પંકેશ નીનામા નામક યુવક 12 દિવસ અગાઉ ખીરખાઇ ગામના રયલાભાઇ ડામોરની દિકરી પાયલને પત્ની તરીકે રાખવાના ઇરાદે લઇને ભાગી ગયો હતો. આ મામલે રયલભાઇના કુંટુંબના ખીરખાઇ ગામના સરપંચ સરતનભાઇ ઉર્ફે કાંગા મગન ડામોર, ચૈડિયા જિલ્લા પંચાયત સીટ ઉપરથી ભાજપની જિલ્લા પંચાયતની સભ્ય અને સરતનભાઇની પત્ની ટીનાબેન ડામોર, જીજે-20-એએસ-6131 નંબરની ફોર વ્હીલ લઇને પંકેશના ઘરે ધસી ગયા હતાં.

આ સાથે મણીયાભાઇ ડામોર, તેની પત્ની મથુરીબેન મોપેડ ઉપર અને પોપટ ડામોર તેમજ રયલા ડામોર પણ મોટર સાઇકલ લઇને પંકેશના ઘરે ધસી ગયા હતાં. ત્યાં હાજર તેના પિતા સુક્રમભાઇ સહિતના લોકો સાથે ગાળાગાળી કરવા ઉપરાંત મારામારી કરી હતી. આ સાથે સુક્રમભાઇને ધસડીને મણીયો અને મથુરીબેન તેમની મોપેડ ઉપર બેસાડીને અપહરણ કરી ગયા હતાં. ખીરખાઇ લઇ જઇને સુક્રમભાઇને સરગવાના ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો.

સુક્રમભાઇનું મોત થઇ જતાં ટોળકી તેમની લાશને નીનામાના ખાખરિયા ગામમાં સીમાડા પાસે નાનસલાઇ વાળી જગ્યાએ નીલગીરીના ઝાડ નીચે પાડોળા તરફ જતાં કાચા રસ્તાની બાજુમાં ફેંકીને ફરાર થઇ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં લીમખેડા પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. મૃતક સુક્રમભાઇના પૂત્ર નરેશ નીનામાની ફરિયાદના આધારે લીમખેડા પોલીસે સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય સહિત છ લોકો સામે અપહરણ અને હત્યા સબંધિ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકનો પુત્ર
મૃતકનો પુત્ર

ફર્સ્ટ પર્સનઃ સળિયા તપાવીને મારા પિતાને શરીરે ડામ આપ્યા હતા: પુત્ર
ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારાયેલા સુક્રમભાઇના પૂત્ર નરેશે ઘટના અંગેની હદયદ્રાવક હકીકત વર્ણવી હતી. નરેશે જણાવ્યંુ હતું કે, ‘હું અને મારી પત્ની ગાંધીનગર મજુરી કામે હતાં ત્યારે 29મી તારીખના રોજ 9327651199 નંબર ઉપર મને ફોન આવ્યો હતો. અમો ખીરખાઇ ગામેથી બોલીયે છીયે અને તારા પિતાને અમો તારા ઘરેથી લઇ આવેલ છીયે. તારા પિતાને માર મારી મારી નાખીશુ તેમ જણાવી કહેતા હતા કે અમારી છોકરી નહીં મળે ત્યાં સુધી અમો તારા પિતાને મારીશુ, લે સાંભળ તારા પિતાનો અવાજ તેમ કહી મને ફોન સંભ‌ળાવતા મે મારા પિતાનો અવાજ સાંભળ્યો હતો.

મને મારા પિતાએ ફોનમાં જણાવ્યુ હતું કે, આ લોકોએ મને કાંગાભાઇ સરપંચના ઘરની નજીક સરગવાના ઝાડ સાથે બાંધીને માર મારે છે. બાદ મારા પિતા પાસેથી ફોન લઇને મણીયા, પોપટ તથા રયલાએ સહિતના જુદા-જુદા લોકોએ મારી સાથે વાત કરી હતી. મારા પિતાને આ લોકો માર મારતા હોઇ તેમની ચીસો સંભળાતી હતી. સળિયા તપાવીને તેમને ડામ પણ આપવામાં આવ્યા હતાં. હું અને મારા પત્ની ઘરે આવ્યા હતાં, ખીરખાઇના સરપંચને વાત કરી સવારે નવેક વાગ્યે અમે અમારા ગામના માણસો ભેગા કરીને વાતચીત કરવાની હતી ત્યારે મારા પિતા મૃત હોવાની ખબર આવી હતી.’

ગુપ્તાંગમાં મરચું ભરી ક્રૂરતા
પુત્ર પંકેશ છોકરી ભગાવી ગયો હોવાની વાતે પિતા સુક્રમભાઇનું અપહરણ કર્યા બાદ જુલમ કરનારી ટોળકીએ તેમને ઢોર માર માર્યો હતો. જેથી તેમના શરીરે ચાઠા પડી ગયા હતાં. આ ઉપરાંત ક્રુરતાની હદ વટાવીને ટોળકીએ તેમના ગુપ્તાંગમાં મરચુ પણ ભર્યુ હોવાની વાત જાણવા મળી છે. જોકે, આ બાબતનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો નથી પરંતુ તેમના ગુપ્તાંગમાંથી મરચુ ભરેલું મળી આવ્યુ હોવાનું વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.