દાહોદ જિલ્લાના લીમખેડામાં 8 સંતાન ધરાવતા દંપતિએ નિ:સંતાન પાડોશીને કોઇપણ પ્રકારની કાયદાકીય વિધિ વગર પોતાના નવમાં સંતાન તરીકે અવતરેલા પુત્રને દત્તક આપી દીધો હતો. એટલું જ નહીં પણ શિશુને લેનારે પોતે પિતા હોવા તરીકેનો જન્મ તારીખનો ખોટો દાખલો પણ ગ્રામ પંચાયતમાંથી કઢાવી લીધો હતો. આ બાબતની જિલ્લા બાળ સુરક્ષા એકમને જાણ થતાં તપાસ હાથ ધરાઇ હતી. અંતે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ બાળક લેનાર અને આપનાર દંપતીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
લીમખેડાના રાયસિંગ તેરસિંગ ભાભોર અને રમીલાબેનના વસ્તારમાં 5 દીકરી અને 3 દીકરા મળીને 8 બાળકો છે. જ્યારે પાડોશમાં રહેતાં મૂળ ઉત્તરપ્રદેશના વિજય સ્વામીનાથ ચૌહાણ તથા તેની પત્ની રીતાદેવી ચૌહાણને લગ્ન બાદ ખોળાના ખુંદનારનો અભાવ હતો. રાયસિંગભાઇ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે રમીલાબેનને અવતરનારુ નવમાં બાળકનું ભરણ-પોષણ તેમને ભારે પડે તેમ હતું.
જેથી વિજયે છોકરો થાય તો તેમને આપી દેવાની વાત કરી હતી. પછી રમીલાબેને 30 નવેમ્બર 2022ના રોજ ખાનગી દવાખાનામાં પુત્રને જન્મ આપ્યો હતો. વિજયે 24 ડિસેમ્બર 2022ના રોજ નોંધણી કરાવી જન્મનું ખોટું પ્રમાણપત્ર પણ મેળવી લીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.