ધરમ ધક્કા:PMની સભા પછી તંત્રની ‘ગૌરવ જાત્રા’ 48 ઇકો કારનું ભાડુ નહીં ચૂકવતાં રોષ

લીમખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારનું ~5500 ભાડું પહોંચતાં જ મળી જશે તેમ કહ્યું હતું
  • પાદરા મામલતદાર પાસેથી ભાડું મળશે તેવી હૈયાધારણા અપાઇ હતી

18 જૂન 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. 21000 કરોડના વિકાસ કામોની ભેટ કરનાર વડાપ્રધાનના કાર્યક્રમમાં લીમખેડા તાલુકાની 48 ઇકો ગાડીઓનો પણ સહયોગ રહ્યો હતો.

જોકે 2 લાખ 64 હજાર રૂપિયાના ભાડેથી બોલાવેલી આ ઇકો ગાડીઓના ચાલકોને ચાર સપ્તાહ પછી પણ ભાડું નહીં ચૂકવતા તેમના માથે આભ તૂટ્યા જેવી મુસીબત ઊભી થઈ છે.ગત 18મી જૂનના રોજ યોજાયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં લીમખેડા મામલતદાર દ્વારા લીમખેડા તાલુકાની 48 જેટલી ઈકો ગાડીઓ એકત્ર કરવામાં આવી હતી.

વાહન ચાલકોને પાદરા તાલુકામાંથી વડાપ્રધાનના કાર્યક્રમમાં માણસોને લાવવાના હોવાનું જણાવી આ વાહનો 17મી જૂનના રોજ સાંજના સમયે વડોદરા જિલ્લાના પાદરા મામલતદાર કચેરીએ મોકલવામાં આવ્યા હતાં.તેમજ વાહન ચાલકોને કાર્યક્રમનું પ્રત્યેક ગાડી દીઠ 5500 રૂપિયા ભાડું પણ પહોંચતાની સાથે જ પાદરા મામલતદાર પાસેથી મળી જશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી.

જોકે વાહનચાલકોને ભાડાના પૈસા નહીં મળતા તેઓએ યેનકેન પ્રકારે પોતાના વાહનમાં ડીઝલ ગેસ જેવા ઈંધણો પુરાવી આયોજન મુજબના સ્થળે પહોંચી માણસોને વડાપ્રધાનના કાર્યક્રમમાં લઈ જઈ પરત યથાસ્થાને માણસોને પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ 48 ઇકો ગાડીના ચાલકોને પાદરા મામલતદાર કચેરી દ્વારા ભાડું આપવામાં આવ્યું નહોતું. ઈકો ગાડીના ચાલકો 20મી જૂનથી લીમખેડા મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેમને આજ દિન સુધી ભાડાના પૈસા નહીં મળતા ઈકો ગાડીના ચાલકો માથે મુસીબત ઊભી થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગાડી થકી જ પોતાનું ગુજરાન ચલાવતા ગાડી ધારકોને ધક્કા ખાવાનો વારો આવવાથી વિમાસણમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...