તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:લીમખેડામાં મનરેગા યોજનાના ગ્રામ રોજગાર સેવકોના સેજા બદલવા સાંસદને ઉગ્ર રજૂઆત

લીમખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક વર્ષોથી એકજ સ્થાને ફરજ બજાવતા હોવાથી GRSનું મનસ્વી વર્તન

લીમખેડા તાલુકાની ગ્રામ પંચાયતોમાં મનરેગા યોજનાના ગ્રામ રોજગાર સેવકોના સેજા તાત્કાલિક અસરથી બદલવા માટે તાલુકા પંચાયતના સદસ્યો તથા સરપંચો દ્વારા સાંસદ જશવંતસિંહ ભાભોરને સામુહિક રજૂઆત કરવામાં આવી છે. ગ્રામ રોજગાર સેવકો વિરુદ્ધ સામૂહિક રજૂઆતથી ચોકી ઉઠેલા સાંસદે યોગ્ય કાર્યવાહી માટે ખાતરી વ્યક્ત કરી હતી.

લીમખેડા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતાં મનરેગા યોજનાના ગ્રામ રોજગાર સેવકો પોતાના મનસ્વી વર્તનથી ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયતના સત્તાધીશોને વિશ્વાસમાં લીધા વિના જ તેમજ શ્રમિકોને પણ જાણ કર્યા વિના યોજનાના કામોનું આયોજન કરતા હોવાની બૂમરાણ મચી છે.

લીમખેડા તાલુકામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોમાં મનરેગા યોજના અંતર્ગત મંજૂર થયેલા કામોમાં શ્રમિકોને માસ્ટર ઇસ્યૂ કરવા તેમની હાજરી પૂરવી જેવી મહત્વની કામગીરી કરતા અનેક GRS છેલ્લા કેટલાય વર્ષોથી એકજ સ્થળે ફરજ બજાવી રહ્યા છે. જેના કારણે મોટાપાયે ગેરરીતિ પણ આચરાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

સરકાર દ્વારા મનરેગા યોજના અંતર્ગત સ્થાનિક શ્રમિકોને રોજગારી મળી રહે તથા ગ્રામ પંચાયત વિસ્તારમાં નાના-મોટા વિકાસના કામો થકી સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે તેવા ઉમદા આશયથી તાલુકા તથા જિલ્લા કક્ષાએ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. ત્યારે સરકારની ગાઈડ લાઈનથી તદ્દન વિપરીત અને મનસ્વી વર્તનથી ફરજ બજાવતાં નરેગા યોજનાના ગ્રામ રોજગાર સેવકો વિરુદ્ધ લીમખેડા તાલુકાના સરપંચો તથા તાલુકા પંચાયત સદસ્યો દ્વારા બદલી માટે સાંસદ જશવંતસિંહ ભાભોરને સામૂહિક રજૂઆત કરવામાં આવી હતી.

સાંસદે સરપંચો તથા તાલુકા પંચાયતના સદસ્યોને તાત્કાલિક અસરથી ઘટતું કરવા માટેની ખાતરી વ્યક્ત કરી હતી. તેમજ સંબંધિત તાલુકા તથા જિલ્લા કક્ષાના અધિકારીઓને આ બાબતે યોગ્ય કાર્યવાહી માટે સૂચનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...