ક્રાઇમ:રિસાઇને પિયર આવેલી બહેનને તેડવા બોલાવેલા બનેવીને સાળાએ માર્યો

લીમખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્ની લઇને જતાં રસ્તામાં બાઇક રોકી માર માર્યો
  • ફરી મારા ઘરે​​​​​​​ આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી

લીમખેડા તાલુકાના ચાટકી ગામે ડુંગરી ફળિયામાં રહેતા દિપસીંગભાઇ સબુરભાઇ બારીયા તથા તેમની પત્ની સુમીત્રાબેન સાથે નજીવી બાબતે બોલાચાલી થતાં સુમીત્રાબેન રીસાઇને તેના પિયર ઉસરા ગામે તેની માતાના ઘરે જતી રહી હતી. ત્યારે ગતરોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં દિપસીંગભાઇના સાળા રાજુભાઇ ચૌહાણે તેને ફોન કરી તેની પત્નીને સુમીત્રાને તેડી જવાનું કહેતા તેઓ મોટર સાયકલ લઇને તાત્કાલિક ઉસરા ગામે ગયા હતા. ત્યાં જતા દિપસીંગભાઇના સાળાએ તેની બહેન સુમિત્રાને લાકડી વડે માર માર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી દિપસીંગભાઇ પત્ની સુમિત્રાને લઇને મોટર સાયકલ ઉપર આવી રહ્યા હતા. ત્યારે સાળા રાજુભાઇએ દિપસીંગભાઇને રસ્તામાં રોકી બિભત્સ ગાળો બોલી ગડદાપાટુનો માર મારતાં મને કેમ મારો છો કહેતા તે એકદમ ઉશ્કેરાઇ જઇ લાકડી મારી કાનથી ઉપરના ભાગે ચામડી ફાડી નાખી ઇજા પહોંચાડી હતી. તેમજ હવે પછી તુ મારા ઘરે ફરીવાર આવીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. દિપસીંગભાઇને તાત્કાલિક 108 દ્વારા લીમખેડા સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ જવાયા હતા. લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...