ખેડૂતોની આવક ઓછા ખર્ચે બમણી કરતા પણ વધુ થાય તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં સાકાર થઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. એન.એમ.સદગુરુ સંસ્થા તથા સીની સંસ્થાના સહયોગથી એસટી ટેલીમીડિયા પ્રોગ્રામ અંતર્ગત લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામના તળાવ ફળિયામાં રહેતી રાધાબેન બારીયાને સ્ટ્રોબેરીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
સદગુરુ સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર રમેશભાઈ પટેલ, ડો.રાકેશસીંગ પાંડે પ્રોગ્રામ કો.ઓર્ડી.ગણપતભાઈ પટેલ સિની સંસ્થાના જિલ્લા ટીમ લીડર વિવેક સર દ્વારા સરળ રીતે કૃષિ માર્ગદર્શન આપતા અંતરિયાળ વિસ્તાર એવા ખીરખાઇ ગામની રાધાબેન બારીયાએ ખરાબા જેવી માત્ર ત્રણ ગુંઠા જમીનમાં ડ્રીપ એરીગેશન અને મલચિંગ પદ્ધતિથી સ્ટ્રોબેરીની ખેતી કરી હતી.
ચાર માસના સમય ગાળામાં જ પૂર્ણ થયેલી સ્ટ્રોબેરીની ખેતીમાં રાધાબેન બારીયાએ પ્રતિદિન સરેરાશ 30 થી વધુ 50 રૂપિયાની કિંમતના સ્ટ્રોબેરી પેકેટનું ઉત્પાદન કરી 65000 થી વધુની ચોખ્ખી આવક મેળવી આત્મનિર્ભર બની હતી. સંસ્થાના માર્ગદર્શન હેઠળ ખીરખાઈ, દાભડા, ગોરીયા સહિતના ગામોમાં અનેક મહિલાઓએ સ્ટ્રોબેરીની શ્રેષ્ઠ અને સફળ ખેતી કરી છે.
હવે એજ ખેતરમાં ટામેટાની ખેતી કરી આટલી જ આવક ફરીથી મેળવીશ
હું ગ્રેજ્યુએટ છું.મને સદગુરુ સંસ્થાના સાહેબોએ સ્ટ્રોબેરીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી હતી. મેં મારા પરિવારના સહયોગથી માત્ર 4 માસમાં 65,000 થી વધુની કમાણી કરી છે. હવે એજ ખેતરમાં ટામેટાનું વાવેતર કરી એટલી જ કમાણી કરવાની તૈયારી છે.મને નોકરી કરવાની કોઈ ઈચ્છા નથી. - રાધાબેન બારીયા, ખીરખાઈ તા.લીમખેડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.