પોલીસનું કોમ્બિગ:હત્યાના આરોપીઓને ઝડપવા ખીરખાઈમાં પોલીસનું કોમ્બિગ

લીમખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ ઘરેથી ફરાર હોવાથી નિરાશા સાથે પોલીસ પરત ફરી

લીમખેડા તાલુકાના પરમારના ખાખરીયા ગામના પંકેશ સુક્રમભાઈ નીનામાં ખીરખાઈ ગામની યુવતીને પત્ની બનાવવાના ઇરાદે પખવાડિયા અગાઉ ભાગી ગયો હતો.જેની અદાવત રાખી ખીરખાઈના સરપંચ સરતનભાઈ ડામોર તેમની પત્ની જિલ્લા પંચાયત સભ્ય ટીનાબેન ડામોર યુવતીના પિતા મોટા પપ્પા સહિતના માણસો બાઈક તથા ફોરવીલર વાહનમાં પરમારના ખાખરીયા ગામે સુક્રમ નીનમાંના ઘરે ધસી ગયા હતા.તેમજ ગાળાગાળી તથા મારામારી કરી સુક્રમ નિનામાને અપહરણ કરી ખીરખાઈ લઇ ગયા હતા.

ખીરખાઈમાં પણ સુક્રમ નિનામાને ઝાડ સાથે બાંધી ક્રૂરતા પૂર્વક માર મારી મોત નીપજાવી તેના મૃતદેહને પરમારના ખાખરીયા ગામના સીમાડામાં નાંખી દેવાયો હતો.બનાવ સંદર્ભે મૃતકના પુત્ર નરેશ નિનામાએ ખીરખાઈના સરતનભાઈ ડામોર તેમની પત્ની ટીનાબેન ડામોર માણીયાભાઈ ડામોર મથુંરીબેન ડામોર રયલાભાઈ પોપટ ડામોર સહિતના છ વ્યક્તિઓ વિરૂદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ હત્યા અપહરણ રાયોટીંગ સહિતની ગંભીર ગુનાની કલમ મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

રવિવારે લીમખેડા પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. બેગડીયા તથા સ્ટાફના માણસો તેમજ અન્ય પોલીસ મથકના કર્મચારીઓની મદદ સાથે જુદી જુદી ટીમો બનાવી ખીરખાઈ ગામે હત્યાના આરોપમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરવા માટે ઘનિષ્ઠ કોમ્બિંગ હાથ ધર્યું હતું. પણ તમામ લોકો ઘરે હાજર નહીં મળતા પોલીસ નિરાશા સાથે પરત ફરી હતી. મૃતકની ભારે હૈયે અંતિમ વિધિ કરાઇ હતી. રાત્રી દરમિયાન પણ પેટ્રોલિંગ સાથે આરોપીને ઝડપવા કોમ્બિંગ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...