દુકાનદારોમાં ફફડાટ:મોટીબાંડીબાર ગામની 3 સસ્તા અનાજની દુકાનના પરવાના રદ

લીમખેડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુરવઠા અધિકારીએ ત્રણે દુકાનોને 38.28 લાખનો દંડ ફટકાર્યો

મોટી બાંડીબારની ધી બાંડીબાર સેવા સહકારી મંડળી સંચાલિત નાની બાંડીબાર સસ્તા અનાજની દુકાન તથા મોટીબાંડીબાર - 1 તેમજ મોટી બાંડીબાર - 4 સહિતની ત્રણે સસ્તા અનાજની દુકાનમાં પુરવઠા વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરી હતી. તે દરમ્યાન ત્રણે દુકાનોમાં મોટાપાયે ગેરરીતિ જણાતા પુરવઠા અધિકારી દ્વારા ત્રણે દુકાનના પરવાના 3 માસ માટે મોકુફ કર્યા હતા.તેમજ નોટિસ પાઠવી ખુલાસો કરવા જણાવ્યું હતું.

પરંતુ સંચાલકો દ્વારા સંતોષકારક ખુલાસા રજૂ કર્યા નહી હોવાથી નાનીબાંડીબાર શોપ મેનેજર તૃપ્તિબેન ધિંગા સંચાલિત તથા મોટીબાંડીબારની શોપ મેનેજર ઈશ્વરસિંહ ધિંગા સંચાલિત તેમજ મોટીબાંડીબાર સનાઢય રૂપેશભાઈ મોહનભાઈ સંચાલિત સસ્તા અનાજની દુકાનના પરવાના પુરવઠા અધિકારી દ્વારા રદ કર્યો છે. ત્રણે દુકાનોમાં રૂા. 38,28,468નો દંડ ચલણથી સરકારમાં ભરવા માટેનો હુકમ પણ કર્યો હોવાથી ત્રણે દુકાનદારોમાં ફફડાટ મચ્યો છે.

ગરીબોને સરકારી અનાજ પૂરેપૂરું મળવું જોઈએ
બાંડીબારની સસ્તાં અનાજની 3 દુકાનોમાં ગેરરીતિ થઈ હોવાથી લાયસન્સ રદ થયાની વિગત જાણવા મળી છે.સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા ગરીબ લોકોને મળવા પાત્ર સરકારી અનાજ પૂરેપૂરું મળવું જોઈએ. સરકારી તંત્ર દ્વારા વખતોવખત સસ્તા અનાજની દુકાનોમાં ચકાસણી હાથ ધરવી જરૂરી છે. - મિત્તલબેન ગોવિંદભાઈ લબના, સરપંચ, મોટી બાંડીબાર

અન્ય સમાચારો પણ છે...