તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ખીરખાઈ ગામના પોસ્ટ માસ્તરનો ખુલ્લી તલવારથી પોસ્ટના ઇન્સ્પેકટર પર હુમલો

લીમખેડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોસ્ટના રેકર્ડમાં ભૂલ હોવાથી ઇન્સ્પેક્ટરે રેકર્ડ જપ્ત કર્યા હતાં
  • રેકર્ડ તથા લોખંડની પેટી ઇસ્પેક્ટરને માર મારી પરત લઇ ગયો

લીમખેડા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દેવગઢ બારીયા પોસ્ટ ઓફિસ સબડિવિઝનમાં ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં મનીષ કનૈયાલાલ પરમાર ગુરુવારે સવારે ઓવરશીયર ગોવિંદભાઈ બારીયા તથા અભેસિંગ હજારીયા તેમજ રણજીત પટેલ સહિતના કર્મચારીઓ લીમખેડાના ખીરખાઇ ગામની પોસ્ટ ઓફિસમાં ચેકિંગ માટે ગયા હતા.તે સમયે ખીરખાઈના પોસ્ટ માસ્તર હિંમત વીરસીંગભાઇ મોહનીયા પોસ્ટ ઓફિસમાં હાજર મળ્યા નહોતા.જેથી ઇસ્પેક્ટર મનીષ પરમારે ઓફિસમાં ચકાસણી હાથ ધરી હતી.

જેમાં રેકર્ડ ઉપર વિભાગના ધારાધોરણ મુજબ મર્યાદા કરતાં વધારે રોકડ રકમ હાથ ઉપર રાખેલ હોવાથી તેમણે નજીકની કુણધા બ્રાન્ચમાં ફરજ બજાવતા પોસ્ટ માસ્તર પર્વતસિંહ રાવત તથા આસિ.પોસ્ટ માસ્તર દિપક રાવતને રૂબરૂ બોલાવી ખીરખાઈ પોસ્ટ ઓફિસનું રેકર્ડ તથા તાળું મારેલી લોખંડની પેટી જપ્ત કરી બાઈક ઉપર લીમખેડા તરફ આવતા હતા.

દરમ્યાન ખીરખાઈ પોસ્ટ માસ્તર હિંમત વિરસિંગ મોહનીયા ઢઢેલા ગામે હાઈવે રસ્તા ઉપર પોતાની બાઈક ઉપર આવી ઇન્સ્પેક્ટર મનીષ કનૈયાલાલ પરમાર સહિતનાઓને ઉભા રખાવી તમે કોની પરવાનગીથી આ સરકારી દફતર લઈ જાવ છો.તમે મારી સહી વગર આ સરકારી દફતર લઈ જઈ શકો નહીં તેમ કહીં સરકારી રેકર્ડ ઝૂંટવી લઈ નાસી ગયો હતો.

જેથી ઇન્સ્પેક્ટર મનીષ પરમાર લોખંડની પેટી લઈ લીમખેડા તરફ આવવા નીકળ્યા હતા.ત્યારે દાતીયા ગામે હાઈવે રસ્તા ઉપર પોસ્ટમાસ્તર હિંમત મોહનીયા ફરીથી બાઈક ઉપર આવી હાથમાં ખુલ્લી તલવાર બતાવી ઇન્સ્પેક્ટર મનીષ પરમારને તારૂ માંથી માથું કાપી નાખું છું.તેમ કહી બાઇક ઉપર તલવારનો ઘા મારી બાઇકને નુકસાન કર્યું હતું.તેમજ ઇન્સ્પેક્ટર ને લાત મારી લોખંડની પેટી લઈ નાસી ગયો હતો.

ગભરાઈ ઘરે ગયેલા ઇન્સ્પેક્ટર મનીષ પરમાર તથા અન્ય કર્મચારીઓ પોતાની બાઈક ઉપર લીમખેડા ભાગી આવ્યા હતા તેમજ ખીરખાઈના પોસ્ટ માસ્તર હિંમત વિરસિંગ મોહનીયા વિરૂદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...