તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દાભડાની શાળાના શિક્ષકને બાળકી સાથેની લંપટ વૃત્તિ ભારે પડી

લીમખેડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધો. 6ની બાલિકાને નોટબૂકનો સેટ આપી કોઈને કહેતી નહીં તેવું જણાવ્યું
  • ગ્રામજનોએ શાળામાં આવી શિક્ષકને ભારે મેથીપાક ચખાડ્યો

લીમખેડા તાલુકાના દાભડા ગામની ભગત ફળિયા પ્રાથમિક શાળામાં કુલ 8 શિક્ષકો ફરજ બજાવે છે.શાળામાં ધોરણ 1 થી 8માં કુમાર અને કન્યા મળી કુલ 200 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.હાલમાં કોરોના મહામારી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ફળિયામાં જઈ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની કામગીરી કાર્યરત છે. જે મુજબ શાળામાં ફરજ બજાવતા 36 વર્ષીય યુવાન શિક્ષક બ્રિજેશ ડાહ્યાભાઈ પટેલ મંગળવારે દાભડાના ભગત ફળિયામાં શેરી શિક્ષણ આપવા ગયા હતા. શિક્ષક બ્રિજેશ પટેલ ગરીબ બાલિકાઓને મફત નોટબુકો આપવાનો સેટ પણ સાથે લઈ ગયા હતા. શિક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી એક બાલિકાને નોટબુકોનો સેટ આપી જણાવ્યું હતું કે આ નોટબુકો તને આપું છું કોઈને કહેતી નહીં.

માસુમ બાલિકાએ આ વાત ઘરે જઈને પરિવારને જણાવી હતી. શિક્ષકનો ઉદ્દેશ અન્ય વિદ્યાર્થીઓને ખબર નહી પડે તે માટે હતો કે અથવા બાલિકાને લાલચ આપી લંપટવૃત્તિનો હતો તે તો ભગવાન જાણે પરંતુ બાલિકાના પરિવારજનોમાં તથા ફળિયાના માણસોમાં ચોક્કસ ગેરસમજ ઊભી થઈ હતી. બુધવારે સવારે શિક્ષક દાભડા ભગત ફળિયા શાળામાં ફરજ ઉપર આવ્યો તે સાથે જ ફળિયાના સેંકડો ગ્રામજનો શાળામાં ધસી આવ્યા હતા.તેઓએ શિક્ષક બ્રિજેશ પટેલને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.

આ બાબતની જાણ સ્થાનિક આગેવાનોને થતાં તેઓએ તાત્કાલિક શાળામાં આવી શિક્ષક તથા ફળિયાના માણસો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.ઘટનાની જાણ લીમખેડા તાલુકા સહિત શિક્ષક આલમમાં થતા ભારે ચર્ચાઓ ઉઠવા પામી હતી.

સમાધાન થતાં મામલો થાળે પડ્યો હતો
છઠ્ઠા અને સાતમા ધોરણની ગરીબ બાલિકાઓને મફત નોટબુકો આપવાની હતી. શિક્ષકે બાલિકાને નોટો આપી કોઈને કહેતી નહીં તેવું જણાવ્યું હતું.આ વાત બાલિકાએ તેના ઘરે પરિવારજનોને કરતા ગેરસમજ ઊભી થઈ હતી.જેથી ઉશ્કેરાયેલા ફળિયાના માણસોએ શાળામાં આવી શિક્ષક સાથે મારઝૂડ કરી હતી.જોકે આગેવાનો એકઠા થઇ જતા બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. >ધીરૂભાઇ માવી,આચાર્ય દાભડા ભગત ફળિયા પ્રા.શાળા

શિક્ષક દારૂ પીવાની આદત વાળો છે અમારી શાળામાં જોઈએ નહીં
દાભડા ગામના ભગત ફળિયાના લોકોએ જણાવ્યુ હતું કે, દાભડા ભગત ફળિયાના ગ્રામજનોએ જણાવ્યું હતું કે શાળામાં ફરજ બજાવતો શિક્ષક બ્રિજેશ પટેલ દારૂ પીવાની આદત વાળો છે.તે શાળામાં દારૂનો નશો કરી આવે છે.અમારી શાળામાં આ શિક્ષક જોઈએ નહીં.

અન્ય સમાચારો પણ છે...