દુધિયા પાસે પુરઝડપે હંકારતા ટેમ્પોના ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઈક સવાર પિતા તથા તેના 5 દિવસના નવજાત શિશુને ગંભીર ઈજા થતાં મોત નીપજયું હતું. લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામના રેલ ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ વિઠ્ઠલભાઈ વણકર તથા તેની પત્ની લક્ષ્મીબેન તેમના 5 દિવસના નવજાત શિશુની દુધિયા ગામેથી દવા સારવાર કરાવી પરત તેમની બાઈક ઉપર ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન દુધિયા ચોકડી પાસે લીમખેડા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે રસ્તાની વિરુદ્ધ દિશામાં હંકારી આવતા ટેમ્પાના ચાલકે લક્ષ્મણભાઈની બાઈકને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બાઈક સાથે રસ્તા ઉપર પટકાયેલા લક્ષ્મણભાઈ તથા તેમના 5 દિવસના નવજાત શિશુને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. જયારે લક્ષ્મીબેન રસ્તાની બીજી બાજુ ફંગોળાઇ જતા તેઓને ઓછી વત્તી ઇજાઓ થઇ હતી.ઇજાગ્રસ્તોને તાત્કાલિક લીમખેડા સરકારી દવાખાને ખસેડાયા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ લક્ષ્મણભાઈ વણકર તથા તેમના 5 દિવસના નવજાત શિશુનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પ્રતાપપુરાના ગુલાબસિંહ વણકરની ફરિયાદ મુજબ લીમખેડા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.