એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ:ગરીબો જૂતાં બહાર ઉતારીને પોલીસ સ્ટેશન કેમ આવે છે? ટ્વીટથી ચર્ચા છેડનાર કોન્સ્ટેબલમાંથી બન્યા છે ગુજરાતના IPS

અમદાવાદએક મહિનો પહેલાલેખક: સારથી એમ.સાગર
  • જનતાને પોલીસ સ્ટેશનમાં આવવાનું આમંત્રણ આપીને ચર્ચામાં આવેલા આઇપીએસ અધિકારી સાથે દિવ્ય ભાસ્કરે કરી વાતચીત
  • એક કડવા અનુભવે કોન્સ્ટેબલથી ASP બનાવ્યા, ત્રણ વખત સિવિલ સર્વિસમાં નિષ્ફળ, આજે IPS

ગુજરાતમાં આજકાલ દાહોદ જિલ્લાના યુવા IPS અધિકારીની ચર્ચા છે. ઝાલોદ ડિવિઝનમાં નવનિયુક્ત ASP વિજયસિંહ ગુર્જરે સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને નવી જ ચર્ચા છેડી છે. પોલીસ મથકમાં આવતા લોકોની વર્તણૂક અંગે તેમણે કરેલી સો.મીડિયા પોસ્ટ પર અનેક યુઝર્સે પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. ખુદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટને રી-ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ છે આપણી ગુજરાત પોલીસ.

ASP વિજયસિંહ ગુર્જરે શું ટ્વીટ કર્યું હતું?

ASP (આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) વિજયસિંહ ગુર્જરે ગયા મંગળવાર, 10 મેના રોજ ગુજરાતીમાં ટ્વીટ કર્યું હતું, 'મેં ઝાલોદ ડિવિઝનમાં જોયું છે કે ગરીબ લોકો ઓફિસમાં પ્રવેશતાં પહેલાં સ્લીપર, જૂતાં વગેરે બહાર મૂકી દે છે. તેઓ ઓફિસમાં આવીને ખુરશીઓ પર પણ નહીં બેસે. શું એ આદર, ડર અથવા બીજું કંઈક છે? ASP ઓફિસ અને પોલીસ સ્ટેશન તમારાં છે. આવો, બેસો, પાણી લો અને કહો કે અમે કેવી રીતે મદદ કરી શકીએ.'

પોલીસ અધિકારીના આ માનવીય અભિગમનાં લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા. સામાન્ય લોકોને પોલીસ સ્ટેશનમાં ડર્યા વગર આવવાનો આપેલો દિલાસો લોકોના દિલમાં વસી ગયો છે. આ અંગે દિવ્ય ભાસ્કરે ASP વિજયસિંહ ગુર્જર સાથે વાત કરી હતી.

એએસપી વિજયસિંહની થોડા સમય પહેલાં ઝાલોદ ડિવિઝનમાં એએસપી તરીકે તેમની નિમણૂક થઈ હતી.
એએસપી વિજયસિંહની થોડા સમય પહેલાં ઝાલોદ ડિવિઝનમાં એએસપી તરીકે તેમની નિમણૂક થઈ હતી.

ટ્વીટ કેમ કરવું પડ્યું?

આ અંગે વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું, 'મેં એક ઓબ્ઝર્વેશન કર્યું હતું કે અહીં ગરીબ લોકો જ્યારે પણ ઓફિસ આવતા ત્યારે જૂતાં બહાર ઉતારતા હતા, જે કોમન પ્રેક્ટિસ હતી, પણ મને થોડું વિચિત્ર લાગ્યું હતું, કેમ કે સામાન્ય રીતે પૈસાદાર લોકો આવું નથી કરતા. આ બાબત મને અજુગતી લાગતાં મેં ટ્વીટ કર્યું હતું.'

તમને શું લાગે છે આ ડર છે કે આદર?

ASP ગુર્જરે કહ્યું, 'આ ડર નથી. મને એ રિસ્પેક્ટ લાગે છે. મેં ઘણા લોકો સાથે વાત કરી હતી. તેમને આ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું, મોટી ઓફિસમાં ચંપલ પહેરીને કેવી રીતે જવાય? અને મોટા સાહેબની સામે ખુરશીમાં કેવી રીતે બેસી શકાય?'

પરિસ્થિતિ બદલાઈ

તેમણે વધુમાં જણાવ્યું હતું, 'આ સ્થિતિ બદલવા માટે મેં મારા ડિવિઝનમાં આવતા પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. તેઓ આ અંગે નાગરિકોને સમજાવી પણ રહ્યા છે, જેના પરિણામે 100 ટકા તો નહીં, પરંતુ સ્થિતિમાં બદલાવ તો આવ્યો જ છે. આ ઉપરાંત અમે સોશિયલ મીડિયાના માધ્યમથી તથા બીટના પોલીસ ઓફિસરો દ્વારા પણ લોકો આરામથી આવે અને તેમનામાં અવેરનેસ ફેલાય તેવા પ્રયાસો આદર્યા છે. આ ઉપરાંત પોલીસ નાગરિકોનો આદર કરે, તેમની સાથે સન્માનથી વાત કરો એવું કહેવામાં આવ્યું છે, કારણ કે પોલીસ જનતાની સેવા માટે છે. એટલું જ નહીં, નાગરિકો પણ નીચે કોઈ જવાબ ના આપે તો ઉપરી અધિકારીની કચેરીમાં પણ જઈ શકે છે, જેથી સિસ્ટમમાં સુધારો આવી શકે.'

ખેડૂત પિતા અને માતા સાથે એએસપી વિજયસિંહ ગુર્જર.
ખેડૂત પિતા અને માતા સાથે એએસપી વિજયસિંહ ગુર્જર.

કોણ છે વિજયસિંહ ગુર્જર?

વિજયસિંહ ગુર્જરના આ માનવતાભર્યા અભિગમ પાછળ તેમણે જોયેલો સંઘર્ષ પણ જવાબદાર છે. તેઓ મૂળ રાજસ્થાનના ઝૂંઝનુ જિલ્લાના દેવીપુરા બાની ગામના વતની છે. ખેડૂત પિતા લક્ષ્મણસિંહના પુત્ર વિજયસિંહ પાંચ ભાઈ-બહેનમાં ત્રીજા છે. માતા ચંદાદેવી ગૃહિણી છે. વિજયસિંહે ક્યારેય સિવિલ સર્વિસમાં જવાનું વિચાર્યું નહોતું. વિજયસિંહના પરિવારમાં પરિવારમાં પત્ની અને એક દીકરો છે. વિજયસિંહ શરૂઆતમાં અભ્યાસમાં એવરેજ સ્ટુડન્ટ હતા. ધોરણ-10મા 54.% અને ધોરણ-12મા 67.% ટકા મેળવ્યા બાદ સંસ્કૃતમાં ગ્રેજ્યુએશનની ડીગ્રી લીધી હતી. તેમને બાઈક રાઇડિંગ, બેડમિન્ટન રમવાનો અને મ્યુઝિક સાંભળવાનો શોખ છે.

એએસપી વિજયસિંહે વર્ષ 2010માં બે વર્ષ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલની નોકરી કરી હતી એ વખતની તસવીર.
એએસપી વિજયસિંહે વર્ષ 2010માં બે વર્ષ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલની નોકરી કરી હતી એ વખતની તસવીર.

પરિવારને મદદ કરવા કોલેજ બાદ કોન્સ્ટેબલની નોકરી કરી

કોલેજ પૂરી કર્યા બાદ પરિવારને મદદરૂપ થવા તેમણે દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી શરૂ કરી હતી. બીજું, ગામમાં તથા સમાજમાં સરકારી કર્મચારીને વધારે સન્માન આપવામાં આવે છે, આ પણ એક કારણ સરકારી નોકરીમાં જવાનું હતું. સતત કંઈક નવું શીખવામાં માનતા વિજયસિંહ કોન્સ્ટેબલની નોકરી દરમિયાન જ પહેલા પોલીસ સબ-ઈન્સ્પેકટર (PSI)ની તૈયારી શરૂ કરી. એ લક્ષ્ય પાર પાડ્યા બાદ તેઓ ઇન્કમટેક્સ વિભાગમાં ઈન્સ્પેકટર બન્યા હતા. આ દરમિયાન તેઓ અન્ય પરીક્ષાઓ પણ આપતા રહ્યા, જેમાં સિવિલ સર્વિસ એક્ઝામમાં ત્રણ વખત નિષ્ફળતાનો સામનો પણ તેમણે કર્યો હતો. એક ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે, 'હું મારા બેકગ્રાઉન્ડ કે અન્ય બાબતો વિશે ક્યારેય વિચારતો નથી. મને એટલી જ ખબર છે કે મારે શું કરવું છે, એના પર ફોકસ કરવાનું છે અને એના માટે ઘણી જ મહેનત કરવાની છે.'

વિજયસિંહને બાઈક રાઈડિંગનો ભારે શોખ છે. વિજયસિંહનું સ્વાગત કરતાં ગ્રામજનો.
વિજયસિંહને બાઈક રાઈડિંગનો ભારે શોખ છે. વિજયસિંહનું સ્વાગત કરતાં ગ્રામજનો.

બે કિસ્સાએ જીવન બદલી નાખ્યું

1. મિત્રએ ઉડાવેલી મજાક પથદર્શક બની

દિલ્હી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા તેઓ પ્રથમવાર દિલ્લી આવ્યા બાદ PG (પેઇંગ ગેસ્ટ)માં રહેતા હતા. મેસ બીજા બિલ્ડિંગમાં હતું. એક દિવસ ત્યાંથી જમીને મિત્રો સાથે પરત ફરતા તેમના એક મિત્રએ તેમના ગામડિયા જેવા પહેરવેશને લીધે તેમને ભિખારી જેવા લાગતા હોવાનું કહ્યું હતું. એ વખતે તેમણે પોતે પણ PSI બનશે એમ નક્કી કરી લીધું હતું. આજે ASP ગુર્જર એ મિત્રનો આભાર માને છે.

2. વતનની સગીરા ખોવાતાં કડવો અનુભવ થયો અને નિર્ધાર કર્યો

ASP ગુર્જર દિલ્હી પોલીસમાં PSI હતા, એ સમયની વાત છે. તેમના ગામની એક સગીર બાળકી અચાનક ગુમ થઈ ગઈ. પોલીસ ફરિયાદ થયાના બે દિવસે તે બાળકી જયપુર નજીક એક ટ્રેનમાથી મળી આવી. રેલવે પોલીસે તેને લોકલ પોલીસને સોંપી દીધી હતી, પરંતુ લોકલ પોલીસે 72 કલાક પછી પણ તેનો મેડિકલ ટેસ્ટ કરવાની તસદી નહોતી લીધી.. આ અંગે સ્ટેશન ઓફિસર સાથે વાત કરી તો તેમણે અપમાનજનક જવાબ આપ્યો. એ દિવસે તેમણે નિર્ધાર કર્યો કે હું મહેનત કરીશ અને આવી સ્થિતિ બીજા કોઈ સાથે ના બને એવા પ્રયત્નો કરીશ. ખાસ કરીને ગામડાના અને અભણ લોકો સાથે તો આવું નહીં જ થવા દઉં.