તપાસ:ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલરની હત્યાની આશંકામાં પેનલ પોસ્ટ મોર્ટમ

ઝાલોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માત સ્થળે પોલીસે બેરિકેટ લગાવી - Divya Bhaskar
અકસ્માત સ્થળે પોલીસે બેરિકેટ લગાવી
  • મોર્નિંગ વોક માટે નીકળ્યા બાદ ઘાયલ મળ્યા, સારવાર મળે તે પહેલાં જ મોત
  • માથા-પીઠમાં જ ઇજા જોવા મળતાં શંકા ઝાડીઓમાં ઉંધા પડેલા મળ્યા હતા

ઝાલોદ નગર પાલિકાના ભાજપના કાઉન્સિલર મોર્નીંગ વોકમાં નીકળ્યા બાદ રસ્તાની નજીકની ઝાડીઓમાંથી ઘાયલ અવસ્થામાં મળ્યા હતાં.સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થઇ ગયું હતું. પોલીસ માર્ગ અકસ્માતની થીયરી ઉપર ચાલી હતી પરંતુ માથા અને પીઠની ઇજા જોતા તેમની ઉપર હુમલો કરાયો હોવાની આશંકાના પગલે દાહોદમાં પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું. આ ઘટનામાં હાલ દાહોદ શહેરમાં અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને મોત પાછળના કારણની રાહ જોવાઇ રહી છે.

ઝાલોદ નગરમાં શનિવારના રોજ નગર પાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેનભાઈ પટેલ સવારે ચાલવા માટે નીકળ્યા હતા. ત્યારે શબરી આશ્રમ નજીક આવેલા બ્રિજ પાસે ઝાડીઓમાં તેઓ ઘાંયલ અવસ્થામાં પડેલા જોવા મળ્યા હતાં. સારવાર માટે ખાનગી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા. માથામાં ગંભીર ઇજા હોવાથી તેઓને વધુ સારવાર માટે વડોદરા લઇ જતી વખતે રસ્તામાં મોત નીપજ્યું હતું. હિરેનભાઇના મોતના સમાચાર વાયુવેગે નગરમાં પ્રસરતા ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસે બનાવના સ્થળે બેરીકેટ લગાવીને એફએસએલની મદદ લઇને તપાસ હાથ ધરી હતી.

હાલ પોલીસ માર્ગ અકસ્માતની થીયરી ઉપર કામ કરી રહી છે પરંતુ માથા અને પીઠમાં ઇજા હોવાથી તેમની ઉપર હુમલો પણ કરાયો હોવાની આશંકાઓ નકારી શકાય તેમ ન હતી. જેથી દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં તેમનું પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું. ભાજપના કાઉન્સિલર હિરેનભાઇનું મોત માર્ગ અકસ્માતમાં થયું કે તેમની ઉપર હુમલો કરાયો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ લંબાવામાં આવી હતી.સાથે ઘટનાની આસપાસના સીસીટીવી ફૂટેજ લેવામાં આવી રહ્યા છે. એકાએક બનેલી ઘટનાથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

કેડ સુધીનો ભાગ ઝાડીની બહાર દેખાઇ રહ્યો હતો
હું સવારે મારા તબેલા ઉપર દૂધ લેવા જઇ રહ્યો હતો. ત્યારે ઝાડીમાં કોઇ વ્યક્તિનો કેડ સુધીનો ભાગ બહાર હતો અને પગ હલતા જોવા મળ્યા હતાં. ત્યારે કોઇ ચાલવા નીકળેલા વ્યક્તિને ફોર આવી હોવાનું જાણીને મે બાઇક રોકી હતી. ઉંધા પડેલા વ્યક્તિને સીધો કરતાં તે હિરેનભાઇ નીકળ્યા હતાં. તેમના માથામાંથી લોહી પણ વહી રહ્યુ હતું. તબેલા ઉપર જવાનું માંડી વાળી હું સીધો તેમના ઘરે પહોંચી ગયો હતો અને ભાભીને જાણ કરી હતી. હિરેનભાઇના કાકાનો છોકરો અને હું મારી તવેરા લઇને ઘટના સ્થળે પહોંચ્યા હતાં.ત્યાંથી તેમને દવાખાને ખસેડ્યા હતાં.આ વાતની જાણ થતાં પછી પરિવાર સહિતના ઘણા લોકો દવાખાને આવી ગયા હતાં. સીરીયસ હોવાથી તેમને વડોદરા ખસેડાયા હતા પણ બચી શક્યા ન હતાં.>અજીતભાઇ વસૈયા, ઘટના સ્થળે પહોંચનાર પ્રથમ વ્યક્તિ

અમારા ભાઇ ઉપર હુમલાની શંકા છે
હિરેનભાઇને જોતા માર્ગ અકસ્માત લાગતો નથી,હુમલા સહિતની અનેક શંકાઓ જઇ રહી છે. આ માટે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યુ છે. પોસ્ટ મોર્ટમ સુધી હું કઇ કહેવા માંગતો નથી. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ હકિકત સામે આવશે.>વિપુલભાઇ પટેલ,મૃતકના ભાઇ

હિરેનભાઇ વિવિધ પદો પર આરૂઢ હતાં
રહસ્યમય રીતે મોતને ભેંટનારા હિરેન પટેલ નગર પાલિકાના વર્તમાન કાઉન્સિલર તો હતા સાથે તેઓ ભૂતકાળમાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા હતાં. ઝાલોદ કેળવણી મંડળમાં મંત્રી,ઝાલોદ એપીએમસીમાં ડિરેક્ટર, અર્બન બેંકમાં મેનેજીંગ સભ્ય તેમજ દાહોદ જિલ્લા છ ગામના લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખ પણ તેઓ હતાં.

સોમવારે ઝાલોદ બંધ રહેશે
ઝાલોદ નગર પાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેનભાઇના આકસ્મિક રહસ્યમય મોતના પગલે આખા નગરમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ ઘટના પગલે હિરેનભાઇના માનમાં સોમવારના રોજ ઝાલોદ નગર બંધ રાખવા માટે રિક્શા ફેરવવામાં આવી હતી.

ઘટના મામલે તપાસ ચાલુ છે
ઝાલોદ નગર પાલિકાના સભ્ય સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા.તે સમયે દાહોદ તરફના રસ્તા પર તેમનો અકસ્માત થયો હોવાનું લાગી રહ્યું છે.પાલિકા સભ્યને વધુ સારવાર માટે વડોદરા લઇ જતી વખતે તેમનું રસ્તામાં મોત થયું હતું.ઘટના મામલે પોલીસ દ્વારા આગળની તપાસ ચાલી રહી છે.>બી.વી.જાદવ,ડીવાયએસપી, ઝાલોદ

અન્ય સમાચારો પણ છે...