પુનઃ હેરાનગતિ:ઝાલોદ-વરોડ ટોલબુથ દ્વારા ટોલના નામે પુનઃ સ્થાનિકોને હેરાન કરાતાં રોષ

ઝાલોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર ત્રણ માસે ટોલટેક્સ ઉઘરાવવાનો પ્રયાસ કરવામાં આવતાં ઘર્ષણ થાય છે
  • સ્થાનિક વાહનોને રાહત આપ્યા બાદ પણ ટોલ બરોબર કાપી લેવામાં આવે છે

દાહોદ જિલ્લાનો ઝાલોદ-વરોડ ટોલબુથ વિવાદનું કેન્દ્ર બન્યો છે. ઝાલોદ અને લીમડી ગામના મધ્યમાં બનાવાયેલા ટોલબુથના કારણે હજારો સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. સ્થાનિક વાહનોને પસાર થવા માટેનો અલાયદો રસ્તો ન હોવાના લીધે ફરજીયાત ફાસ્ટટેગ લેનમાંથી પસાર થવું પડતું હોય છે. જેના કારણે સ્થાનિક લોકોને મિનિટો સુધી ટ્રાફિકનો સામનો કરવો પડે છે. તેમજ પસાર થતા સ્થાનિકો પાસેથી બારોબાર ફાસ્ટટેગમાંથી ટોલટેક્સ વસૂલાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

ટોલ ટેક્સ મુદ્દે સ્થાનિક ધારાસભ્યથી લઈને છેક સાંસદ સુધી રજૂઆતો અને આંદોલનો થવાથી સ્થાનિક નાના વાહનોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ચાલકે સ્થાનિકતાનો પુરાવો રજૂ કરવા સાથે રાહત અપાઇ હતી. પરંતુ દર બે-ત્રણ મહિને ટોલ કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક વાહનોને યેનકેન પ્રકારે હેરાન કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે.

હાલમાં ટોલબુથ પરથી પસાર થતા સ્થાનિક વાહનોને રોકવામાં આવતા બોલાચાલીના બનાવો સાથે માહોલ ગરમાઈ ગયો હતો. વાહન ચાલકો સ્થાનિક હોવાનો પુરાવો રજૂ કરે તો પણ ટોલ કર્મીઓ દ્વારા અન્ય દસ્તાવેજો માગીને રકઝક કરતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ વ્યાપેલો જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં સ્થાનિકો માટે અલાયદા રસ્તાની વ્યવસ્થા કરવામાં નહિ આવે તો આંદોલનના ભણકારા વાગતા જોવા મળ્યા હતા.

પુન: લડત શરૂ કરવી પડશે
વરોડ ટોલબુથ દ્વારા હાલમાં ટોલના નામે પુનઃ હેરાનગતિ ચાલુ કરી છે. સ્થાનિક હોવાના પુરાવો આપવા છતાં વાહનના અન્ય કાગળો માંગીને જાણી જોઈને સમય બગાડે છે. દાહોદ અને લીમડીના કામ અર્થે દિવસમાં અનેક વાર જવું પડતું હોય છે. ટોલ દ્વારા સ્થાનિકો પાસેથી ટોલટેક્સ વસૂલવા માટે હેરાન કરવા સાથે અવનવા દાવ રમી રહ્યા છે. સ્થાનિકો માટે પસાર થવામાં માટે અલાયદો ટોલબુથ કે રસ્તા માટે પુનઃ લડત ચાલુ કરાવી પડશે તેમ લાગી રહ્યું છે. - અલ્પેશભાઈ કટારા, સ્થાનિક વાહન ચાલક

અન્ય સમાચારો પણ છે...