ઝાલોદ-ટાંકારા સ્લિપર બસ માટે મોરબી અને ટંકારા જવા માટે ઓન લાઇન રિઝર્વેશન કરાવેલું હોવા છતાં કન્ડક્ટરે મુસાફરોને બેસાડ્યા ન હતાં. આ બાબતની ગંભીર નોંધ લઇને વિભાગ દ્વારા કન્ડક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ધાવોદ ડેપોની ઝાલોદ-મોરબી ટંકારા સ્લિપર કોચમાં મુસાફરી માટે 15 મુસાફરોએ 5 જુનનું બુકિંગ કરાવ્યુ હતું. કન્ડક્ટર પાસે આ મુસાફરોનું લિસ્ટ જ ન હતું . તેણે સ્લિપર કોચમાં બેસનારા અન્ય મુસાફરોને ટિકિટ પણ આપી દેવામાં આવી હતી.
જીજે-18- ઝેડ-3163 નંબરની બસ તા. 5 તારીખે સાંજે સવા સાત વાગ્યાના અરસામાં દાહોદ આવતાં ઝાલોદ ડેપોમાં ફરજ બજાવતા બસના કન્ડક્ટર એમ.આઇ સોઢાએ તેમની પાસે લીસ્ટ ન હોવાનું કહીને મુસાફરોને બસમાં નહીં બેસાડી બસ રવાના કરી દીધી હતી. જેથી રૂપિયા ખર્ચવા છતાં મુસાફરોને રઝળવાનો વારો આવ્યો હતો. આ મામલે રિફન્ડ આપવાની ના પાડ્યા બાદ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યા બાદ રાતના 10.30 વાગ્યે આવેલી બસમાં આ મુસાફરોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી હતી.
એસ.ટીની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે તેવું કૃત્ય હોવાનું ગણીને આ ઘટના માટે બસના કન્ડક્ટર એમ.આઇ સોઢાને જવાબદાર ગણી ઝાલોદના ડેપો મેનેજર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતાં. કન્ડક્ટર સોઢાને સસ્પેન્સન સમય ગાળા દરમિયાન દાહોદ ડેપો મેનેજરને રિપોર્ટ કરવાનો હુકમ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.