ગટરોનું ખોદકામ:ઝાલોદ-સંતરામપુર હાઇવે પર આડેધડ ખોદકામના લીધે અકસ્માતોની ભરમાર

સુખસર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇવેની સાઈડોમાં પહોળાઈ માટે પુરાણ કરવા ઊંડી ગટરોનું ખોદકામ
  • લખણપુર ગામે હાઇવે ઉપર માટીમાં ટ્રક ચડી જતાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી
  • લખણપુરમાં એસ.ટી બસ ગટરમાં ખાબકી ગઇ, જોકે જાનહાની ટળી હતી

ઝાલોદથી સુખસર થઈ સંતરામપુર જતા સ્ટેટ હાઇવેની કામગીરી હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહી છે. તેમાં હાલ રસ્તાને પહોળો બનાવવા બંને સાઈડોમાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે. માટી પુરાણ કરવા માટે માર્ગની સાઈડોમાં ચારથી પાંચ ફૂટ ઊંડાઈની ગટરો ખોદવામાં આવેલ છે. જેના લીધે આવનાર સમયમાં આ માર્ગની આસપાસમાં રહેતા સ્થાનિકો સહિત તેમના બાળકો માટે મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ ઊભી થયેલ છે.

તેમાં ખાસ કરીને ચોમાસા જેવા સમયમાં આ ગટરોમાં પાણી ભરાઈ રહેતા તેમાં જો કોઈ બાળક પડે તો આ ગટરો જીવલેણ સાબિત થઈ શકે. જ્યારે 24 કલાક વાહનોથી ધમધમતા આ માર્ગ ઉપર અવારનવાર નાના-મોટા વાહન અકસ્માતો સર્જાય છે.અને વાહનો પલટી મારવાના બનાવો પણ બની ચૂકેલા છે. હાલમાં માર્ગને પહોળો બનાવવા માટે માર્ગની બંને સાઈડોમાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે તે માટે માર્ગની બંને સાઈડોમાંથી ખોદાણ કરવામાં આવતા આ માર્ગની સાઈડોમાં ઉંડી ગટરો બની ગયેલ છે.

તેમાં જો અકસ્માતે કોઈ વાહન ખાબકે તો મોટી જાનહાનિ થવાનો કાયમી પ્રશ્ન ઉભો થવા પામેલ છે. ત્યારે રાત દિવસ વાહનોથી ધમધમતા આ હાઈવે માર્ગની બાજુમાં માટી પુરાણ માટે જરૂરિયાત પૂરતી માટી માટે રસ્તાની સાઈડમાં ગટરો ખોદાણ કરવાની જગ્યાએ અન્ય કોઈ રીતે માટીની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિક પ્રજા સહિત વાહન ચાલકો માટે ખૂબ જ જરૂરી હોવાનું જણાઈ રહ્યું છે.ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા તે બાબતે ધ્યાન આપવામાં આવે તે આવશ્યક જણાઈ રહ્યું છે.

દુકાનો અને મકાનોમાં પાણી ભરાઇ જાય છે
સુખસરના બસ સ્ટેશનથી લઈ આસપુર ચોકડી સુધીમાં આ હાઈવે દર ચોમાસાના સામાન્ય વરસાદથી તૂટી જાય છે અને વર્ષો વર્ષ તેને રિપેરિંગ કરાતો હતો. જેના લીધે નજીકના સ્થાનિક વેપારીઓની દુકાનો સહિત રહેણાંક મકાનોમાં પાણી ભરવાના બનાવો બની રહ્યા છે. પરંતુ હાલમાં આ રસ્તાની નવીનીકરણ કામગીરી ચાલી રહી છે ત્યારે સુખસર બસ સ્ટેશનથી આસપુર ચોકડી સુધીના રસ્તાને ખોદાણ કરી કામગીરી કરવામાં આવે તેમજ ગટર લાઈન નાખવામાં આવે તો અહીંયાના સ્થાનિક લોકો સહિત વાહનચાલકો અને રાહદારીઓનો કાયમી પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...