પાણીના વિકટ પ્રશ્ન:ટેન્કરના રૂ..400, પીપના રૂ..30, બેડાના રૂ..5 ખર્ચીને ગામલોકો તરસ છીપાવે છે, બોરિયાળાના 2500ને સમસ્યા

ગરબાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બોરિયાળા ગામમાં કૂવામાં ટેન્કરથી ઠલવાતું પાણી - Divya Bhaskar
બોરિયાળા ગામમાં કૂવામાં ટેન્કરથી ઠલવાતું પાણી
  • ટેન્કરમાંથી રોજ 12 હજાર લિટર પાણી કૂવામાં ઠલવાય છે
  • જળસ્રોતોમાં પાણી જ નથી ,નલ સે જલથી જ પાણીની સમસ્યાનો નિકાલ થઇ શકે છે

ગરબાડા તાલુકાના બોરિયાળા ગામના ગામતળ ફળિયામાં વર્ષોથી પાણીના વિકટ પ્રશ્ન સાથે લોકો જીવન જીવી રહ્યા છે. ઉનાળાની શરૂઆત થતાં લોકો પાણી માટે વલખા મારતા જોવા મળે છે ત્યારે સરકાર દ્વારા પણ આ ગામમાં અનેક બોર, હેન્ડપંપ કરવામાં આવ્યા છે. છતાં ગામના ભૂગર્ભમાં જ પાણીના સ્રોત ન હોવાથી પ્રજા મુશ્કેલી વેઠી જીવી રહી છે. બોરિયાળાના 2500 વસ્તી ધરાવતું ગામ તળ ફળિયામાં વર્ષોથી પાણીનો પ્રશ્ન છે. આ ફળિયામાં અનેક યોજનાઓ કરવામાં આવી હોવા છતાં પાણી ન મળતાં લોકો પ્રાઇવેટ ટેન્કરો દ્વારા પીવા અને વપરાશ માટે પાણી ખરીદતા જોવા મળે છે.

ગામમાં દરરોજ પાણીના ટેન્કરો બહારના ગામમાંથી લાવવામાં આવે છે. લોકો 400 રૂપિયા ટેન્કર, 30 રૂપિયા પીપ અને 5 રૂપિયાનું બેડંુ ખરીદી રહ્યા છે. ઘણા વર્ષથી આ સિલસિલો યથાવત્ છે. ગ્રામ પંચાયત દ્વારા પણ આ પ્રશ્નને પહોંચી વળવા ગામના કૂવાની અંદર રોજ ત્રણ ટેન્કર પાણી પાંચવાડાથી મંગાવીને ગામના કૂવામાં ખાલી કરવામાં આવે છે.

પંચાયત પણ પાણીની સમસ્યા દૂર કરવા વર્ષે દહાડે લાખોનો ખર્ચ કરી રહી છે. ટેન્કરથી પાણી ભરવામાં ઝઘડા થતાં હોઇ ટેન્કરથી કૂવામાં પાણી ઠલવાતું હોવાનું ગ્રામજનોએ જણાવ્યંુ હતું. બોરિયાળામાં નલ સે જલ યોજનાની પાણીની હાઉસ કનેક્શન માટેની લાઈનો નાખવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે વર્ષોથી પાણીના પ્રશ્ન સામે લડતા લોકોને એક આશાનું કિરણ મળી રહ્યું છે.

કૂવો થોડો સાથ આપે છે, પણ 12માંથી 8 માસ ટેન્કર ઉપર આધાર રાખવો પડે છે
બોરિયાળા ગામના ગામતળમાં પાણીના તળ ઉંડા જવા સાથે બોરમાં ખારું પાણી આવતું હોવાથી છેલ્લા દસ વર્ષથી ગ્રામજનો સમસ્યા વેઠી રહ્યા છે. કૂવો થોડોક સાથ આપી દે છે પણ 12 મહિનામાંથી 8 મહિના ગામના લોકોને ટેન્કર ઉપર જ આધાર રાખવો પડે છે.

કામ પૂરઝડપે ચાલી રહ્યું છે
બોરિયાળા ગામતળ ફળિયામાં દ્વારા કૂવામાં ટેન્કરો નાખીને લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગામમાં નલ સે જલ યોજના 1.76 કરોડના ખર્ચે મંજૂર થઇ છે. તેનું કામ પણ પૂરઝડપે ચાલી રહ્યું છે. જે કામ પૂર્ણ થતાં ગામની વર્ષો જૂની પાણીની સમસ્યા હલ થશે એવું લાગી રહ્યું છે. - એમ.એસ.ભુરીયા, ત.ક મંત્રી., બોરિયાળા

જરૂરિયાત પ્રમાણે પાણી ખરીદે છે
બોરિયાળા ગામનો પીવાના પાણીનો વર્ષો જૂનો વિકટ પ્રશ્ન છે. પાંચવાડા ગામથી ટેન્કર દ્વારા પાણી લવાય છે અને લોકો જરૂરિયાત પ્રમાણે પાણી ખરીદીને લે છે. ગ્રામ પંચા. પણ કૂવામાં પાણી નાખે છે. વારંવારની રજૂઆતથી સરકાર દ્વારા નલ સે જલની કામગીરી શરૂ કરી છે. - ગોપાલસિંહ એમ પરમાર, સામાજિક કાર્યકર, બોરિયાળા

​​​​​​​ધંધો ભલે બંધ થાય પણ ગામમાં પાણીનો પ્રશ્ન હલ થવો જોઈએ
હું રોજના 8થી 10 ટેન્કર પાણી પાંચવાડા કૂવા પરથી લાવીને ગામમાં વિતરણ કરું છું. વર્ષોથી ગામના લોકો પાણીની ખરીદી કરી થાકી ગયા છે. હવે તો અમને પણ લાગે છે કે અમારો ધંધો જાય તો જાય પણ ગામમાં પાણીનો પ્રશ્ન હલ થવો જોઈએ. - મુકેશ પરમાર, ટેન્કર ચાલક

અન્ય સમાચારો પણ છે...