બેદરકારી:સાહડામાં બેલેટમાં ટેબલના ચિહ્નના સ્થાને ટેબલ પર સિક્કા મારી દેવાયા!

ગરબાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 બુથમાં મતપત્રકમાં મારવા આપેલા સિક્કા ટેબલો ઉપર મારેલ જોવા મળ્યા
  • ત્રણ પૈકી 1 બુથના ટેબલ ઉપર તો અંદાજે 165 સિક્કા મારેલા દેખાયા!
  • ગામમાં 80% મતદાન થયું છે : મતપેટી ખુલ્યા બાદ જ હકીકત જણાશે

સાહડામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચાર ઉમેદવારોએ ઝંપલાવ્યુ હતું. મતદાન માટે અહીં મુખ્ય પ્રાથમિક શાળામાં ત્રણ રૂમની ફાળવણી કરી હતી. આ ગામમાં 2655 મતદારો છે. જેમાંથી 2142 લોકોએ મતદાન કરતાં તેની ટકાવારી 80 ઉપર પહોંચી હતી. અહીં મતદાન બાદ એક આશ્ચર્યજનક બાબત સામે આવી હતી. ત્રણે બુથમાં મતકુટીર વાળા ટેબલ ઉપર મતપત્રકમાં મારવા માટે આપેલા સિક્કા ટેબલો ઉપર મારેલા જોવા મળ્યા હતાં.

આ 3 બુથ પૈકીના 1 બુથના ટેબલ ઉપર તો અંદાજે 165 સિક્કા મારેલા જોવા મળ્યા હતાં. બુથમાં ટેબલનું ચિહ્ન ધરાવતા સરપંચ પદના ઉમેદવારને મત આપવાનો હતો પરંતુ બેલેટ પેપરમાં ટેબલના ચિહ્નની સામે સિક્કા મારવાના સ્થાને મતદારો ટેબલ ઉપર જ સિક્કા મારીને આવી ગયા છે. જોકે, મતદારોએ સરપંચને મત આપ્યા બાદ પણ બુથમાં ટેબલ ઉપરના સિક્કા માર્યા હોવાનું નકારી શકાય તેમ નથી.

મતપત્રક ઉપર સિક્કા વાગ્યા કે મતકુટીરના ટેબલ ઉપર તેની મંગળવારે જ મતપેટી ખુલ્યા બાદ પુષ્ટિ થાય તેમ છે. જે બુથના ટેબલ ઉપર સિક્કા જોવા મળ્યા છે ત્યાં શિક્ષણનું પ્રમાણ પણ ઓછુ હોવાનું જાણવા મળ્યુ છે. જો, ટેબલના ચિન્હના સ્થાને મતકુટીરના ટેબલ પર જ સિક્કા મરાયા હોય તો ઉમેદવારો મતદારોને સમજાવવામાં નિષ્ફળ ગયાનું કહેવામાં અતિશ્યોક્તિ નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...