તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:જેસાવાડામાં મેઘાને મનાવવા મહિલાઓ ધાડપાડુ બની

ગરબાડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
જેસાવાડામાં મેઘાને મનાવવા માટે ધાડપાડુ બનેલી મહિલાઓ. - Divya Bhaskar
જેસાવાડામાં મેઘાને મનાવવા માટે ધાડપાડુ બનેલી મહિલાઓ.
  • બકરી અને પાડાના કાનમાંથી લોહીના બે ટીપા કાઢી માતાજીને ધરાવ્યા
  • ગરબાડા તાલુકાના ધરતીપુત્રોની વિવિધ પારંપારિક નુસખાઓ અપનાવવાની પ્રથા યથાવત

ગરબાડા તાલુકામાં અત્યાર સુધીમાં ખેતીલાયક વરસાદ ન થતાં ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. વર્ષોથી મેઘાને મનાવવા વિવિધ પારંપારિક નુસખાઓ અપનાવતા જોવા મળી રહ્યા છે. તાલુકાના દરેક ગામમાં અષાઢ મહિનામાં ગુંદરૂ કાઢવાની પ્રથા આજે પણ યથાવત છે. જ્યારે ઘણા ખરા લોકો શિવલિંગને પાણીમાં ડૂબાડે છે.

હોમહવન, ભજન કિર્તન રાખે છે તેમજ તાલુકાના જાંબુઆ ગામે વાવણી કર્યા બાદ જો વરસાદ લંબાય ત્યારે ગામની અમુક સમાજની બહેનો ગામમાં આવેલ હનુમાનજી મંદિરે તેમની પ્રતિમાને ઈન્દ્રદેવના ગાયણા ગાઇને વિધિવત રીતે છાણથી હનુમાનજીની પ્રતિમાને લિપવામાં આવે છે. અને વરસાદ આવ્યા બાદ અન્ય સમાજની બહેનો આ પ્રતિમાને જલાભિષેક કરી છાણથી માથી મુક્ત કરે છે. તેવી જ રીતે જેસાવાડા ગામની સ્ત્રીઓ ભેગી થઇ હાથમાં તીરકામઠાં ધારીયા દાંતરડા જેવા હથિયારો લઇ ધાડ પાડવાનો આડંબર કર્યો હતો. ગામમાંથી એક બકરી પકડી આખા ગામમાં ફરી અને માતાજીના મંદિરે જઈ બકરીના કાન પાસેથી બે ટીપાં લોહી કાઢી અને માતાજીને ધરાવવામાં આવ્યા હતાં.

તેવી રીતે સતત બે દિવસથી સુધી આ કાર્યક્રમ કરવામાં આવે છે. બીજા દિવસે ભેંસનો પાડો પકડીને તેને પણ આવી જ રીતે વિધિ કરવામાં આવી હતી. તાલુકાના તમામ ગામોમાં મેઘાને મનાવવા સતત 5 દિવસ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં જમવાનું ઘરની બહાર બનાવવામાં આવે છે અને ધૂપ-દીપ કરી વરુણદેવને મનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેવી રીતે દાહોદ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘાને મનાવવા માટે જુદા જુદા નુસખાઓ અપનાવવામાં આવે છે. જેમકે જિલ્લાના ધાનપુર તાલુકામાં મહિલાઓ પુરુષનો વેશ ધારણ કરી હાથમાં હથિયારો લઇ કિકિયારીઓ કરતી અને ઇન્દ્રદેવના ગીતો ગાઇને મેઘાને મનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...