હોળી પૂર્વે ખરીદી માટે હાટનું આયોજન:ગરબાડામાં ગલાલીયા હાટનો મેળો ભરાયો

ગરબાડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોળી પૂર્વે ખરીદી માટે હાટનું આયોજન કરાય છે - હાટમાં માનવ મહેરામણ ઉમટતાં ટ્રાફિક જામના દૃશ્યો

ગરબાડા નગરમાં હોળીના પર્વની ઉજવણી કરવા માટે જરૂરિયાતના સામાનની ખરીદી કરવા માટે દર વર્ષે ભરાતો ગલાલિયા હાટ રવીવારે પણ ભરાયો હતો. આ હાટમાં ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પ્રજા સાથે મધ્ય પ્રદેશમાંથી પણ લોકો ઉમટી પડ્યા હતાં. હોળીના પર્વની ઉજવણી માટે પ્રજાએ વિવિધ પ્રકારના સામાનની મનભરીને ખરીદી કરી હતી. લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોવાથી ગરબાડાના બજારોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો.

આ પ્રસંગે ભરાયેલા મેળામાં ફરીને ખાણીપીણી સાથે ઢોલના તાલે નાચીને ભરપુર આનંદ માણ્યો હતો.આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં હોળીના પર્વનું એક આગવું મહત્વ છે. આ પર્વને મનાવવા મજૂરી અર્થે ગયેલા તમામ લોકો દાહોદ જિલ્લામાં પરત ફર્યા છે. હોળી પૂર્વે ધરતીપુત્રો નવા ધાનની પૂજા કરવા માટે અને અલગ અલગ વાનગીઓ બનાવવા માટે ખરીદી અર્થે આવતા હોય છે.

હોળી પૂર્વેના હાટને ગલાલીયા હાટ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ગરબાડામાં મેળો ભરાય છે અને આ મેળામાં હૈયે થી હૈયું દળાય તેટલું માનવ મહેરામણ આ ગલાલીયા હાટમાં ઉમટી પડે છે. મેળામાં પોલીસના ચુસ્ત બંદોબસ્તથી અસામાજિક તત્વોને મોકળુ મેદાન મળ્યુ ન હતું. ગરબાડામાં ભરાયેલા ગલાલિયા હાટમાં ઉમટી પડેલી ભીડને કારણે આખો દિવસ ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયેલા જોવા મળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...