દાહોદ જિલ્લામાં કોરોના કાળની આપદાને અવસરમાં ફેરવી નાખવાના સંખ્યાબંધ દાખલા સમાજમાં જોવા મળે છે. ત્યારે આ સમય દરમિયાન પરગામોમાંથી માદરે વતન પરત આવી ગયેલા ખેડુતોએ રોકડિયા પાક તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને ગુવારસિંગ ઉપર પસંદગી ઉતારીને જિલ્લાને તેનું હબ બનાવી દીધુ છે. દાહોદ જિલ્લામાં ખેતી લાયક 2 લાખ હેક્ટર જમીનમાંથી માત્ર 8 હજાર હેક્ટરમાં જ વિવિધ પ્રકારની ખેતી થાય છે. ત્યારે હાલ જિલ્લામાં 2300 એકર જમીનમાં માત્ર ગુવારસિંગની ખેતી કરવામાં આવી હતી. આ ગુવારસિંગની આખા રાજ્યમાં માગ છે.
દાહોદ જિલ્લા સાથે વડોદરા, અમદાવાદ, અમરેલી, રાજકોટ અને છેક મુંબઇ સુધી અહીંનો ખેડુત ગુવારસિંગના નિકાસ કરી રહ્યો છે.આ વેચાણ માટે ખેડુતોને વેપારીઓ સુધી નહીં બલકે વેપારીઓ ખેડુતોના ઘર સુધી જઇને ખરીદી કરી રહ્યા છે. હાલના સમયમાં જિલ્લામાંથી દરરોજ 14થી 15 પીકઅપ જીપ દ્વારા 60 ટનથી વધુ ગુવારસિંગની નિકાસ થઇ રહી છે. ઘર બેઠે કિલો દીઠ ત્રણથી ચાર રૂપિયાનો લાભ થતો હોવાથી ખેડુતો ગુવારસિંગ વેચવા માર્કેટમાં જતાં જ નથી. ત્યારે દાહોદ માર્કેટના વેપારીઓને પણ ખરીદી માટે તેમના દ્વાર સુધી જવું પડી રહ્યું છે.
એકર દીઠ 30 હજારનો ખર્ચ, 75થી 80 હજારની આવક
કોરોના કાળમાં કોઇ કામ હતુ નહીં, 45 દિવસમાં જ પાક તૈયાર થવા સાથે 120 દિવસ સુધી ઉપજ લઇ શકાતી હોવાથી તેની ઉપર પસંદગી ઉતારવામાં આવી હતી. બીજી તરફ અહીં લેબર પણ સસ્તુ પડતુ હોવાનો ખેડુતને લાભ થાય છે.એક એકરના વાવેતર પાછળ કુલ ખર્ચ 30 હજાર આવે છે. તેની સામે 6થી 7 હજાર કિલોનો ઉતારો થતાં કુલ 80 હજારની આવક થાય છે. ત્રણ માસમાં50 હજાર રૂપિયાની ચોખ્ખી આવક થતાં લોકો આ રોકડિયા પાક તરફ વળ્યા હતાં.
ઘર બેઠે આવતાં વેપારી, APMCથી વધુ ભાવ
દાહોદ જિલ્લામાં ગુવારસિંગની ખરીદી માટે વેપારીઓ ખેડુતોના ઘર સુધી જઇ રહ્યા છે. હાલમાં 18થી 20 રૂપિયે કિલોના ભાવે વેપારીઓ ખરીદી કરી રહ્યા છે. જ્યારે એપીએમસીમાં એટલો ભાવ ખેડુતોને મળતો નથી. ઘર બેઠે બહારના અને એપીએમસીના વેપારીઓ ખરીદી માટે આવી જતાં હોવાથી કિલોએ ત્રણથી ચાર રૂપિયાનો ખેડુતને લાભ થઇ રહ્યો છે.
પાંચેક સદગુરુ ફાઉન્ડેશને ડેમો કર્યા હતાં
દાહોદ જિલ્લામાં ગુવારસિંગની ખેતી થતી જ ન હતી. ત્યારે સદગુરુ ફાઉન્ડેશન દ્વારા પાંચેક વર્ષ પહેલાં સૌ પ્રથમ દાદુર ગામમાં તેની ખેતીનો પ્રયોગ કર્યો હતો. ખેડુતોને ગુવારસિંગની ખેતીની પદ્ધતિ શીખવી હતી. જોકે, તે છતાય ગણતરીના ખેડુતો જ તેની ખેતી તરફ વળ્યા હતા પરંતુ કોરોના કાળ દરમિયાન આ ખેતીને વેગ મળતાં હાલમાં જિલ્લો ગુવારસિંગનો હબ બનીગયો છે.
વેચાણ માટે જિલ્લામાં 53 સેન્ટર બનાવાયા છે
કોરોના કાળ બાદ દાહોદ જિલ્લામાં મહત્તમ ખેડુતો ગુવારસિંગની ખેતી કરતાં થયા છે. ત્યારે વેપારીઓ ઘર બેઠે જ ખરીદી કરવા આવતાં હોવાથી ગુવારસિંગ વેચાણના સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લામાં આવા 53 સેન્ટર ઉભા કરાયા છે. સોદો થયા બાદ ખેડુત પોતાની ગુવારસિંગ આ કેન્દ્ર ઉપર લાવીને તેનું વેચાણ કરીને રોકડી કરી લેતો હોય છે.
સારો એવો ફાયદો થકાય છે
પહેલા ગુજરાતમાં મજૂરી કામ કરવા જતો પણ બે વર્ષથી કોરોના કાળના કારણે મજુરી કામ નહી મળતા ઘરે રહેવાનો વારો આવ્યો ત્યારે ઘરે રહીને મેં ગવારની ખેતી કરવાનું ચાલુ કર્યું. જેમાં સારો એવો ફાયદો થતા હવે હું દર વર્ષે ગવારની ખેતી કરું છું. - કેવન ભાઈ કાળુભાઈ ભુરીયા, નવાનગર
માંગ પ્રમાણે વિવિધ શહેરામાં મોકલુ છુ
આજુબાજુના ગામડાંના ખેડૂતો પાસેથી હું ગવાર ખરીદુ છું અને રાજકોટ,અમરેલી,સુરત જેવા શહેરો માંગ પ્રમાણે દરરોજ મોકલું છું જેના કારણે ખેડૂતોને પણ ફાયદો થાય છે માર્કેટ સુધી લઈ જવાનો ખર્ચ બચી જાય છે. - સંજયભાઈ ગોહિલ, વેપારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.