ભાસ્કર વિશેષ:ગાંગરડીની બરોડા ગ્રામીણ બેંકમાં કનેક્ટિવિટી બંધ રહેતાં 5 દિવસથી ગ્રાહકોને ધરમધક્કા

ગરબાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકમાં 60 હજાર ખાતેદારો છે : દૂરથી આવેલાને વીલે મોઢે ફરવાનો વારો

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામમાં એકમાત્ર બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે. આ બેંકમાં ગરબાડા તેમજ ધાનપુર તાલુકાના મળીને 60 હજાર જેટલા ખાતેદારોના ખાતા આવેલા છે. ધાનપુર તાલુકાના ઘાટા વિસ્તારના બધા જ ગામના લોકો આ બેંકમાં લેવડદેવડ કરવા માટે ગાંગરડી આવે છે. તેમજ ગાંગરડી ગામના પણ વેપારીઓના ખાતા બેંકમાં આવેલા છે. છેલ્લા પાંચ દિવસથી આ બેંકમાં નેટ કનેક્ટિવિટી ના હોવાના લીધે લોકોના ટોળે ટોળા બેંકની અંદર અને બહાર બેસેલા જોવા મળી રહ્યા છે.

દૂર દૂરથી ખેડૂત ખાતેદારો પાક ધિરાણ તેમજ અન્ય કામ માટે બેંકની લેવડ-દેવડ કરવા માટે રૂપિયા ખર્ચીને આવે છે પરંતુ બેન્કમાં નેટ કનેક્ટિવિટી ના હોવાના લીધે સવારથી સાંજ સુધી બેસીને જતા રહે છે. હમણાં વાવણીનુ કામકાજ બગાડીને પણ ખેડૂતો ખાતર બિયારણ લેવા માટે પૈસા ઉપાડવા આવતા હોય છે ત્યારે આખો આખો દિવસ બેંકની બહાર બેસી રહેવું પડે છે. બેન્કના મેનેજરે જણાવ્યુ હતુ કે, કનેક્ટીવીટીની તકલીફ છે. ઉપલી કક્ષાએ જાણ કરી દેવામાં આવી છે.

3 દિ’થી આવું છું
ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયા ગામેથી પાક ધિરાણના પૈસા ભરવા માટે હું છેલ્લા 3 દિવસથી બેંક પર આવું છું રૂા.100 નું ભાડું ખર્ચીને આખો દિવસ બેસી રહેવાનું વારો આવ્યો છે. જલ્દીથી કનેક્ટિવિટી શરૂ થાય એવી માંગ છે.>મથુરભાઈ રત્નાભાઇ અમલીયાર ,ગાંગરડી ફળિયા ખેડૂત ખાતેદાર

અન્ય સમાચારો પણ છે...