ગરબાડા તાલુકામાં ગુરુવારના રોજ ફૂંકાયેલા વાવાઝોડમાં અભલોડ ગામે સુકુ વૃક્ષ રાહદારી ઉપર ધરાશાયી થતાં ગંભીર ઇજાને કારણે તેનું મોત થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે પગપાળા ખજુરિયા જતી વખતે આ ઘટના બની હતી. જેસાવાડા પોલીસે આ મામલે અકસ્માતે મોત અન્વયે કાગળો કર્યા હતાં. ગરબાડા તાલુકાના ગુલબાર ગામના સરપંચ ફળિયાના 40 વર્ષિય ઈશ્વરભાઈ હુસનભાઈ મંડોડ ગુરુવારની બપોરના સમયે તેમના ઘરેથી સામાજીક પ્રસંગમાં હાજરી આપવા પગપાળા ખજુરીયા ગામે જઈ રહ્યા હતા. તે દરમ્યાન અચાનક વાવાઝોડુ ફુંકાયું હતું.
ત્યારે અભલોડ ગામના રેજીંયા ફળીયા પાસે દાહોદ-જેસાવાડા હાઈવે રોડની સાઈડમાં આવેલું સુકુ ઝાડ વાવાઝોડામાં ધરાશાયી થઇને ઈશ્વરભાઈ મંડોડ ઉપર પડ્યુ હતું. જેથી છાતી અને ગળાના ભાગે તેમને ગંભીર ઈજાઓ થઇ હતી. દોડી આવેલા આસપાસના લોકોએ ઝાડ ખસેડીને તેમને 108 દ્વારા સારવાર માટે સરકારી દવાખાને ખસેડ્યા હતાં. ત્યાં ઇશ્વરભાઇનું સારવાર દરિયાન મોત થઇ ગયુ હતુ. આ ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.ગુલબાર સરપંચ ડુંગરા ફળિયાના શંકરભાઈ મંડોડે જેસાવાડા પોલિસ મથકે આ અંગે જાણ કરી હતી. પોલીસે અકસ્માતે મોત અન્વયે કાગળો કર્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.